વિકાસની વાત

રાજ્યસભા ચૂંટણી અંગે સુપ્રીમે કોંગ્રેસને આપ્યો ઝટકો, બંને બેઠકો પર અલગ અલગ યોજાશે ચૂંટણી

111views

ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ બનેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા સાંસદ બનતા બંનેએ રાજ્યસભા સાંસદપદે રાજીનામું આપ્યું હતું. બંનેના રાજીનામા બાદ ચૂંટણી પંચે આ બંને રાજ્યસભા બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ચૂંટણીપંચનાં આ નિર્ણયને અયોગ્ય ગણાવતા ગુજરાત કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચ વિરૂદ્ધ અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચનો નિર્ણય યોગ્ય ગણાવી કોંગ્રેસને ઝટકો આપ્યો છે.

 

ચૂંટણીપંચનો નિર્ણય યોગ્ય, સુપ્રીમે દિલ્લી અને મુંબઇ હાઇકોર્ટનો હવાલો આપ્યો

રાજ્યસભાની બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજવાના ચૂંટણીપંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આ અંગે દિલ્લી અને મુંબઇ હાઇકોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો હતો અને કહ્યું હતું કે દેશમાં પહેલાં પણ આવી રીતે અલગ અલગ ચૂંટણી યોજાઈ છે. આ મામલે સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચના નિર્ણયમાં દખલ દેવાની સ્પષ્ટ ના કહી દીધી છે. જો કે સુપ્રીમકોર્ટે કોંગ્રેસને સૂચન કર્યું છે કે રાજ્યસભા ચૂંટણી બાદ આ મામલે હાઇકોર્ટમાં કેસ દાખલ કરી શકે છે. સુપ્રીમકોર્ટના  આ નિર્ણયથી રાજ્યસભાની બંને બેઠક પર અલગ અલગ ચૂંટણી યોજાશે.

 

અલગ અલગ ચૂંટણીને કારણે બન્ને બેઠક ભાજપને મળશે

કેન્દ્રિય ચૂંટણી પંચે બંને બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા એકસાથે પરંતુ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામુ બહાર પાડતા ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસે બે અલગ અલગ ચૂંટણી થશે. સુપ્રીમે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચનો નિર્ણય માન્ય રાખ્યો હતો. પરિણામે ભાજપના ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે રાજ્યસભાની બન્ને બેઠક જાળવવાનો રસ્તો સરળ થઈ ગયો છે.

 

મુખ્યપ્રધાન રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ પર કર્યા પ્રહારો

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું કે દેશ પર કટોકટી લગાવી લોકતંત્રનું ગળું દબાવનાર કોંગ્રેએ બંધારણની વાતો કરે છે. તો જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણીપંચ એ સ્વાયત્ત સંસ્થા છે, કોંગ્રેસે ચૂંટણીપંચ પર આવા આક્ષેપો ન કરવા જોઈએ. દેશની જનતાએ કોંગ્રેસને નકારી છે માટે મીડિયામાં ચમકવા કોંગ્રેસ આવા પ્રયાસો કરતી રહે છે.

 

ડો.એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે ભર્યું ફોર્મ

ભાજપ દ્વારા ગઈકાલે જ રાજ્યસભા પેટા ચૂંટણી માટે વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર અને ઠાકોર સમાજના આગેવાન જુગલજી ઠાકોરના નામ જાહેર કરવામાં આવ્યાં હતાં ત્યારે આજે બંને ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. આ તબક્કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત રાજ્યનાં પ્રધાનમંડળના વિવિધ પ્રધાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ હાજર રહ્યાં હતાં.

 

 

 

Leave a Response

error: Content is protected !!