વિકાસની વાત

રાજ્યમાં 13થી15 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ, સરકારે 25 હજાર કરોડનું બજેટ ફાળવ્યું

133views

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શાળા પ્રવેશોત્સવને રાજ્ય સરકારના બધા જ વિભાગો-સમગ્ર ગુજરાતનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણાવતાં જણાવ્યું છે કે, ગુજરાતે હવે સમગ્ર વિશ્વ સાથે હરિફાઇ સ્પર્ધા કરવાની ક્ષમતા-સ્ટેજ કેળવ્યા છે ત્યારે ભાવિ પેઢીને શિક્ષણ-ગુણવત્તાયુકત શિક્ષણથી સજ્જ કરવા આ પ્રવેશોત્સવથી ફોકસ કરવું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની હરણફાળમાં શિક્ષણને મહત્વ આપીને ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન ર૦૦૩ થી શરૂ કરાવેલો આ શાળા પ્રવેશોત્સવ સાતત્યપૂર્ણ રીતે ચાલતો રહ્યો છે.

વિકાસના પાયામાં રહેલા પ્રાથમિક શિક્ષણને સુદ્રઢ અને ગુણવત્તાયુકત બનાવવાનો આ સેવાયજ્ઞ આધુનિક શિક્ષણ સુવિધા, વર્ચ્યુઅલ કલાસરૂમ, ટેકનોલોજીના ઉપયોગથી રિયલ ટાઇમ મોનિટરીંગ સુધી વિસ્તારીને કવોલિટીટીવ ચેઇન્જ અને પ્રત્યેક બાળકના જીવન ધોરણમાં બદલાવના સ્તરે આપણે લાવ્યા છીએ એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં આગામી 13 અને 14 જૂને ગ્રામીણ ક્ષેત્ર અને 15 જૂને શહેરી ક્ષેત્રમાં યોજાવનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, સચિવો અને શિક્ષણ કર્મયોદીઓની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. સરકારી શાળામાં ગરીબ, મઝદૂર, શ્રમજીવી વર્ગના બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે એમનો પરફોમન્સ રેકોર્ડ-ગ્રાફ ઊંચે લઇ જઇ તેમને પણ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની આપણી વિશેષ જવાબદારી છે તેવો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો.

વિજય રૂપાણીએ પ્રવેશોત્સવ સરકારી શાળાઓમાં બાળકોના માત્ર પ્રવેશનો સરકારી કાર્યક્રમ ન બની રહેતા, સરકારી શાળાઓની શ્રેષ્ઠતા આવનારા દિવસોમાં સાબિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ ખાનગી-સરકારી શાળાઓની તુલના કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓ, પુસ્તકો, લાયબ્રેરી, વર્ચ્યુઅલ કલાસરૂમ જેવી વ્યસ્થાઓથી સજ્જ છે.

રાજ્યમાં ર૦રર સુધીમાં બધા જ વર્ગખંડો વર્ચ્યુઅલ કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર વૃધ્ધિ સાથે રપ હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે સરકારે ફાળવ્યું છે ત્યારે શાળા પ્રવેશત્સવ-ગુણોત્સવ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રક્રિયારૂપે નિરંતર ચાલે તે પણ જરૂરી છે.

શિક્ષણને પ્રાયોરિટી-પ્રાથમિકતા આપીને તક્ષશીલા-નાલંદા જેવી પ્રાચીન જ્ઞાન વિદ્યાપીઠ સમકક્ષ બનાવવાની સ્થિતી તેમજ સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લોકોને આકર્ષણ થાય તેવી સ્થિતિ નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો હેતું છે. તેમણે શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેઇટ શૂન્યે પહોચાડયા બાદ ૧૦૦ ટકા એનરોલમેન્ટથી સૌના સાથ સૌના વિકાસ સાથે હવે સૌના વિશ્વાસને પણ બર લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવના પ્રારંભિક તબક્કાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપઆઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો કરવા થયેલા પ્રયાસોને આજે સફળતા મળી છે ત્યારે હવે શાળા પ્રવેશોત્સવ બાદ બાળકોના ગુણાત્મક શિક્ષણ પર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે મિશન વિદ્યા અને ધોરણ-ર માં નિદાન કસોટીના પરિણામો પણ સારા આવ્યા છે. તે પરિણામ હજી પણ વધુ સારા આવે તે દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર શિક્ષણ વિભાગનો નહીં પરંતુ સમગ્ર રાજય સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એટલે જ શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્ય સરકારના તમામ મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ધોમધખતા તાપમાં ગામડાં ખૂંદીને શિક્ષણના આ સેવાયજ્ઞમાં જોડાઇ રહ્યા છે તેના પરિણામો પણ મળતા થયા છે ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રક્રિયા સૌના સહયોગ સાથે આગળ વધશે અને તેના પણ ખૂબ સારા પરિણામો મળશે.

Leave a Response

error: Content is protected !!