વિકાસની વાત

સોશ્યિલ મીડિયા:સોશ્યિલ કે એન્ટીસોશ્યિલ ?

136views

સોશ્યિલ મીડિયાથી હાલ નાનું બાળક પણ માહિતગાર છે.સોશ્યિલ મીડિયા એટલે પોતાના વિચારો કે લાગણીઓને અભિવ્યક્ત કરવાનું માધ્યમ.

Facebook, WhatsApp, Twitter જેવાં ડિજિટલ સોશ્યિલ મીડિયાથી આપણે સૌ પરિચિત છીએ.ડિજિટલ યુગ પહેલાં ગામનો ચોરો,દુકાનોના ઓટલાઓ સોશ્યિલ મીડિયા ના કેન્દ્રો રહેતાં. લોકો ભેગા થઈ ગામની,શહેરની,સમાજની, રાજકારણ વગેરેની વાતો અને ચર્ચાઓ કરતાં. આસપાસની બહેનો પણ વાતો કરવા પોતાનો અલગ ડાયરો જમાવતી. ડીજીટલ સોશ્યિલ મીડિયા ના વ્યાપને લીધે આવા દ્રશ્યો હવે ભાગ્યે જ જોવા મળે છે.

સામાજિક સારા-નરસા પ્રસંગો પણ વિચારો ને અભિવ્યક્ત કરવાનાં માધ્યમ બનતાં આવ્યા છે.આ તમામ માધ્યમો એક હદ સુધી મર્યાદિત હોય છે. પણ કમ્પ્યૂટર અને મોબાઇલ ફોને આ દાયરાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યો છે.તમારા વિચારો, વાતો કે લાગણીની અભિવ્યક્તિ માટે તમારે અન્ય વ્યક્તિ કે ઓડિયન્સની જરૂર નથી રહી.સોશ્યિલ મીડિયા દ્વારા હાલમાં તમે સમગ્ર વિશ્વ સમક્ષ તમારા વિચારો અને લાગણીને અભિવ્યક્ત કરી શકો છો. તમારાં વિચારો અને લાગણીની પ્રબળત્તા સમાજને સ્પર્શતી અને અસર કરતી હોય છે.

તમે જોતા અને જાણતા હશો કે સોશ્યિલ મીડિયા માં થતી મોટાભાગની અભિવ્યક્તિ મનોરંજક,રોમાંચક, રાજકીય પ્રપંચો,જ્ઞાતિ-જાતિ, ધર્મ કે ધર્મગુરુઓ સંબંધી કે antisocial બાબતોને ચટપટા મસાલાઓ ભભરાવીને રજૂ કરવામાં આવતી હોય છે. મરજી મુજબ ફેરફાર કરેલાં કે ચેડાં કરેલાં(morphed કે photoshoped ) વીડિયો કે ફોટો સામાન્ય અને અબૂધ લોકોના માનસ પર વિપરીત અને ઘેરી અસર કરતાં હોય છે. જેની સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી એવી વ્યક્તિ કે સાવ વાહિયાત પોસ્ટ પર ઉગ્ર ચર્ચા અને ગાલીગલોચ પર નાદાન લોકો ઉતરી પડતાં હોય છે.

આપણા અરાજક રાજકીય પક્ષો પોતાના ભ્રામક પ્રચાર માટે કે પ્રતિપક્ષને હલકો ચીતરવા માટે દેશની ભોળી અને નાદાન પ્રજાનું brainwash કરવાની હોડમાં સતત લાગેલા રહે છે. રાજકીય પક્ષો પોતાના media cell દ્વારા આ અસામાજિક કાર્ય એવી ખૂબી અને સલૂકાઈથી કરે છે કે જેના લીધે દેશનો મોટો જનસમુદાય તેની તરફેણમાં ઉભો કરી અને સરળતાથી સત્તા પ્રાપ્ત કરી લે છે

Facebook કે whatsapp ખોલતાં જાતિવાદી કે જ્ઞાતિવાદી પોસ્ટની ભરમાર જોવા મળશે. પોતાની જાતિ કે જ્ઞાતિ જ સર્વોપરી છે એવું સાબિત કરવા મથતાં લોકો અન્યને હલકાં ચીતરવામાં સાવ હલકી કક્ષાએ ઉતરી જતાં જોવા મળે છે. જે અંતે અંદરોઅંદર વૈમનસ્ય અને વેરઝેરને નોતરે છે. ક્યારેક રણમાં વીરડી સમાન રાષ્ટ્રવાદી પોસ્ટ જોઈ ગૌરવની લાગણી થાય છે. સોશ્યિલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ કરતાં ધાર્મિક લોકોની સંખ્યા પણ નાનીસૂની નથી. તેમની આસ્થા અને શ્રદ્ધા ને પ્રણામ પણ ક્યારેક આવી પોસ્ટ પર થતી અધાર્મિક ટિપ્પણી લડાઈ-ઝઘડા કે મારામારીનું કારણ બની શકે છે.

દરેક સિક્કા ને બે બાજુ હોય છે.આપણને પ્રાપ્ત થયેલ વસ્તુઓ કે સાધનોનો ઉપયોગ કેમ કરવો એ આપણા હાથની વાત છે.છરીથી તમે શાકભાજી સમારી શકો છો તો એ જ છરીથી કોઈને મોતને ઘાટ પણ ઉતારી શકો છો.સવાલ આપણી વૃત્તિનો છે. રજનીશજીએ કહેલું કે આપણે તલવારથી નથી ડરતા પણ એ કોના હાથમાં છે એના પર એનો આધાર છે.

સમગ્ર સૃષ્ટિમાં માનવ પોતાની જાતને બુદ્ધિશાળી ગણે છે પણ એ સાબિત ત્યારે થઈ શકે જ્યારે આપણે આપણને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો સદઉપયોગ કરી પ્રાપ્ત થયેલ સાધનો અને સગવડનો સકારાત્તમક ઉપયોગ કરીશું.

આપણા,સમાજના અને દેશના ઉત્કર્ષ માટે સોશ્યિલ મીડિયા એક પ્રબળ અને પ્રભાવશાળી સાધન બની શકે તેમ છે. જો તટસ્થ બુધ્ધિ, શુદ્ધ સમજ અને ડહાપણપૂર્વક તેનો ઉપયોગ કરી શકીએ તો.

વિવિધ ક્ષેત્ર અને વિષયના કાબેલ લોકો સોશ્યિલ મીડિયાના માધ્યમથી અન્ય દેશબંધુઓને મદદરૂપ થઇ શકે છે. ઉદાહરણ તરીકે શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા તજજ્ઞો સોશ્યિલ મીડિયા થકી વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું તત્કાલ સમાધાન આપી શકે છે.

કોઇ બિઝનેસમેન પોતાના જ્ઞાન અને અનુભવનો ઉપયોગથી દેશના ઉભરતા યુવા ઉદ્યોગ સાહસીઓને તેમનો બિઝનેસ આગળ વધારવામાં મદદરૂપ થઇ દેશની આર્થિક સ્થિતિ ઊંચે લઈ જઈ શકે છે.

આપણા નેતાઓ પોતાના મીડિયા સેલ વડે લોકઉપયોગી અને લોકહિતની વાતો કે વિગતો video કે audio દ્વારા લોકો સુધી પહોંચાડી લોકોના હૃદય સુધી પહોંચી શકે છે. કદાચ,આક્ષેપો-પ્રતિઆક્ષેપો કે ભ્રામક પ્રચાર કરતાં લોકોના દિલ જીતી લેવાનો આ માર્ગ સરળ છે.જે સહજ રીતે તેમને સત્તા સ્થાને ટકાવી કે પહોંચાડી શકે છે.પણ આટલી સહજ અને સરળ વાત તેમની સમજ માં કેમ નહીં આવતી હોય?

કુદરતી આફત કે કપરી પરિસ્થિતિમાં કેવી રીતે સલામત રહી અન્યોને બચાવી શકાય તે સંદર્ભે ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી સોશ્યિલ મીડિયા પર પ્રસારિત કરી દેશના લોકોને સજ્જ અને સજાગ બનાવી શકાય.

કાયદા પાલનના ફાયદા, નાગરિકોની દેશ અને સમાજ પ્રત્યેની ફરજો, નાગરિકના હકો વગેરે પર videos બનાવી ,પ્રસારિત કરી દેશવાસીઓને જવાબદાર બનાવી શકાય.

પોતાની વિશિષ્ટ આવડત કે જ્ઞાનની મદદથી કોઈ વ્યક્તિ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની શકે.સોશ્યિલ મીડિયા મારફતે દેશના લોકોને ભારતના ઇતિહાસ,ભૂગોળ, સંસ્કૃતિ કે પર્યાવરણની જાળવણીની વિગતો પૂરી પાડી તેઓના દેશ વિશેના જ્ઞાન અને ગૌરવમાં વધારો કરી શકાય.

“કોઈ દેશ પર શાસન કરવું હોય તો તેની ભાષા બદલી નાખો.”એવા મતલબનું વિધાન અંગ્રેજી શિક્ષણના હિમાયતી મૅકૉલેએ કર્યું હતું.જેની અસર હાલમાં પણ આપણે પરોક્ષ રીતે અનુભવી શકીએ છીએ.વિવિધ ભાષાઓ બોલતાં જુદાં જુદાં રાજ્યોના દેશવાસીઓને એક કરવાનું અને પોતીકાપણું પ્રદાન કરવાનું ‘સરદાર’જેવું અસરદાર અને ઉમદા કાર્ય સોશ્યિલ મીડિયા કરી શકે તેમ છે. અલગ-અલગ રાજ્યોના ભાષાના વિદ્વાનો કે ભાષા શિક્ષકો પોતાનાં પ્રાંતની ભાષા સોશ્યિલ મીડિયા વડે અન્ય રાજ્યોના લોકોને શીખવી શકે છે. પરિણામે દેશનો પ્રત્યેક નાગરિક દેશની વિવિધ બોલી કે ભાષાથી પરિચિત થઈ એકત્વની લાગણી અનુભવી શકે.
ભાષા એ એકમેકના હૃદય સુધી પહોંચવાનો રાજમાર્ગ છે.

આપણે દેશની સરહદે જઇ દેશની સુરક્ષામાં ભાગીદાર તો નથી બની શકતા પણ social media નો સાચો અને સારો ઉપયોગ કરી anti social ન બનીએ એ પણ એક દેશસેવા જ છે.

સમાજ એટલે જ્યાં બધાં હળીમળીને રહેતાં હોય, અન્યને મદદરૂપ થવા પ્રતિક્ષણ તત્પર હોય, જાતની સાથોસાથ અન્યના વિકાસની ખેવના કરતાં હોય અને પરસ્પર એકબીજાની કાળજી રાખતાં હોય એવા લોકોનો સમૂહ.

સોશ્યિલ મીડિયા સમાજ કે દેશને જોડાવાનું પરમ શાસ્ત્ર બની શકે છે તો સમાજ કે દેશને છિન્ન ભિન્ન કરી શકે એવું વિધ્વંસક શસ્ત્ર પણ બની શકે છે.

અંતે તો સવાલ આપણા દેશવાસીઓની વૃત્તિનો છે.

“सब को सम्मति दे भगवान ।”

નીતા ત્રિવેદી
Email :[email protected]

Leave a Response

error: Content is protected !!