રાજનીતિ

ગુજરાતની વધુ એક સિદ્ધિ, સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં દેશભરમાં અવ્વલ

616views
  • તા 19-6-2020 સુધીમાં ગુજરાતમાં કુલ 1 લાખ 10 હજાર ઘરો ઉપર સોલાર રૂફટોપ પ્લાન્ટ :-
  • માત્ર નવ માસમાં જ ૫૫૬૩૦ ઘરો ઉપર એકત્રિત ર૦૮ મેગાવોટના સોલાર-રૂફટોપ ઇન્સ્ટોલ કરી સમગ્ર રાષ્ટ્રમાં અગ્રેસર રહેતું ગુજરાત
  • સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અન્વયે રાજ્યમાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના
    વીજગ્રાહકો આવરી લેવાશે
  • મુખ્યમંત્રીશ્રીનો સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગથી રાજ્યમાં પર્યાવરણ રક્ષાનો અભિગમ સાકાર

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સોલાર એનર્જી-સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ છે.
    આ પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે.
    આ પપ૬૩૦ સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી ર૦૮ મેગાવોટના પ્લાન્ટસ માત્ર નવ માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે.
    મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂઅબલ એનર્જી (MNRE)ની વેબસાઇટના અહેવાલો અનુસાર તા.૩૧ મે- ૨૦૨૦ સુધીમાં કુલ ૫૫૮.૧૭ મેગાવોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ ગુજરાત રાજ્યમાં સ્થપાયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઊર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં ૨૦૨૨ સુધીમાં ૧ લાખ ૭પ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનના આ સંકલ્પને પાર પાડવા ગુજરાત લીડ લેવા સજ્જ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઘરવપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો મહત્તમ વિનિયોગ કરતા થાય તે માટે ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના ૪૦ ટકા તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી સરકાર આપે છે. આ હેતુસર રાજ્યના ૨૦૨૦-૨૧ના તાજેતરના બજેટમાં પણ ૯૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. આવી સોલાર રૂફટોપ સિસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. ૨.૨૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે. રાજ્ય સરકારના સાહસ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ૧૯ જૂન- ૨૦૨૦ સુધીમાં ‘‘સૂર્ય ગુજરાત’’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે ૧.૨૮ લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર મળી છે.

GUVNL દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ આઉટરીચ પ્રોગ્રામ અને તાલીમ પ્રવૃત્તિઓને કારણે મોટી સંખ્યામાં આવી અરજીઓ પ્રાપ્ત થઈ છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં અગ્રેસર એવા ગુજરાત પછીના ક્રમે ૨૬૬.૮૨ મેગા વોટ સાથે રાજસ્થાન બીજા ક્રમે, ૨૪૫.૫૦ મેગા વોટ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે, ૨૩૨.૭૭ મેગા વોટ સાથે કર્ણાટક ચોથા ક્રમે, ૧૫૬.૨૦ મેગા વોટ સાથે દિલ્હી પાંચમા ક્રમે, ૧૫૬.૦૦ મેગા વોટ સાથે તમિલનાડું છઠ્ઠા ક્રમે, ૧૪૬.૧૦ મેગા વોટ સાથે ઉત્તરપ્રદેશ સાતમા ક્રમે, ૧૨૧.૩૪ મેગા વોટ સાથે હરિયાણા આઠમાં ક્રમે, ૧૧૮.૫૨ મેગા વોટ સાથે પંજાબ નવમાં ક્રમે, ૧૧૮.૨૨ મેગા વોટ સાથે તેલંગણા દસમાં ક્રમે છે.

Leave a Response

error: Content is protected !!