રાજનીતિ

વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે

126views

જળસંગ્રહ સ્ત્રોતને વધારવા માટે તેમજ પાણીના સ્તરને ઉંચુ લાવવા સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ જળ અભિયાનને સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થયા છે. નીતિ આયોગે જાહેર કરેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત આ જળ અભિયાનનાં પરિણામે સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ ક્રમે આવેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, જનભાગીદારીથી યોજાયેલ આ અભિયાન દ્વારા છેલ્લા બે વર્ષમાં જળસંગ્રહ ક્ષમતામાં 23,553 લાખ ઘનફૂટનો વધારો થયો અને ભૂગર્ભ જળસ્તરમાં 5 થી 7 ફૂટનો વધારો થયો છે.

• રાજ્યના 33 જિલ્લાઓમાં 12,274 તળાવો ઉંડા કરાયા અને 9700 તળાવો વરસાદી પાણીથી ભરાઇ ગયા છે.
• 5,775 ચેકડેમોનું ડિસીલ્ટીંગ અને 4,600 ચેકડેમ સંપૂર્ણ ભરાયા છે.
• રાજયભરમાં જળસંગ્રહ માટેના 30416 કામો પૂર્ણ થયા છે જ્યારે 100 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે.
• 14 હજારથી વધુ ગામોમાં કૂવાના પાણીના તળ ઉંચા આવ્યા અને ઘરગથ્થું પાણી વપરાશ, ઢોર ઢાંખરની પાણીની સમસ્યા પણ હલ         થઇ  છે.
• ચાલુ વર્ષે મેઘરાજાની મહેરને કારણે રાજ્યમાં 95 ટકાથી વધુ વરસાદને પરિણામે ખેડૂતોને સિંચાઇ સુવિધા તથા નાગરિકોને પીવાના           પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં.

વધુમાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીના જળસંચય વધુને વધુ થાય અને તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.

જનભાગીદારી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં 23,553 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. તેના લીધે 5 થી 7 ફુટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા.

આ સુજલામ-સુફલામ જળ મહાઅભિયાન આગામી વર્ષે પણ ચાલુ રાખવાની રાજ્ય સરકારની સંકલ્પબધ્ધતા વ્યકત કરીને તેમણે કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સર્વાંગી વિકાસ માટે એ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું આ એક ઐતિહાસિક જનઆંદોલન બન્યુ છે. આ જનભાગીદારી પ્રેરિત રાજ્યવ્યાપી અભિયાનને પરિણામે જળસ્તર ઊંચા આવ્યા છે અને પાણીનું પાણીદાર વ્યવસ્થાપન થયુ છે.

 

 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આ જળક્રાંતિની પ્રસંશા નીતિ આયોગે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષની સકસેસ સ્ટોરીમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે તેમાં આ જળ અભિયાનની ભૂમિકા મહત્વપૂર્ણ છે. એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના મહત્વકાંક્ષી અભિયાનને લોકોનો ખૂબ જ સહયોગ મળ્યો છે. એના માટે સૌ નાગરિકોનો આભાર માનતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉમેર્યુ કે, જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો હતો એમાં સૌ લોકોએ સક્રિયતાથી સહયોગ આપ્યો છે અને પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે. નરેન્દ્રભાઇ મોદીએ 73માં સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની ટોચથી દેશવાસીઓને જળસંચય, જળસિંચન અને પાણીના ટીપેટીપાંને રોકીને જળ અભિયાન પ્રત્યે સજાગ બનવા જે આહવાન કર્યુ છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા ગુજરાત આ આહવાન સાકાર કરવામાં દેશભરમાં લીડ લેવા સજ્જ બન્યું છે.

મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા હતા. તે પૈકી તમામ જિલ્લાઓમાં 30,416 કામો પૂર્ણ કરી દેવાયા છે. 35,960કિ.મી. નહેરોની સાફસફાઇ, 3322 કિ.મી. કાંસની સફાઇ કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરમાં 100 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ હતી. આ તમામ કામગીરી માટે મહત્તમ 4,669 જેટલા જે.સી.બી. મશીન, 15280 ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી. આ અભિયાન માટે રૂા.૧૧૦ કરોડની જનભાગીદારી થઇ છે.
અભિયાનમાં સરકાર અને જનભાગીદારીનો હિસ્સો 50:50 હતો તે હવે 60:40 કરીને વ્યાપક જનભાગીદારી જોડવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે આ અભિયાન અંતર્ગત 14 હજાર ઉપરાંત ગામોમાં સ્થાનિક કક્ષાએ નાગરિકોને ઘરગથ્થુ પાણી વપરાશનો તથા ઢોર-ઢાંખર માટે પીવાના પાણીની સમસ્યાઓ હલ થઇ છે. તથા આ જ ગામોમાં કૂવાઓમાં પાણીના તળ ઉંચા આવવાથી વીજળીના વપરાશમાં ઘટાડો થતાં વીજ બચત પણ થઇ છે. સાથે સાથે રાજ્યભરમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા જેના પરિણામે પર્યાવરણમાં સુધારાની સાથે સાથે વનસંપદામાં પણ વધારો થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, અનુશ્રવણ તળાવ, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વનતળાવ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઇ, માટીપાળા, ગેબીયન, કન્ટુરટ્રેન્ચ, ચેકવોલ, ફાર્મ બંડીંગ, નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સાફસફાઇ, WTP/ STP તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇના કામો હાથ ધરાયા હતા. જેમાં અમદાવાદમાં 685, અમરેલીમાં 810, આણંદમાં 1184, અરવલ્લીમાં 1085, બનાસકાંઠામાં 1019, ભરૂચમાં 977, ભાવનગરમાં 1035, બોટાદમાં 602, છોટાઉદેપુરમાં 798, દાહોદમાં 1332, દેવભુમિ દ્વારકામાં 1021, ગાંધીનગરમાં 601, ગીર સોમનાથમાં 442, જામનગરમાં 912, જુનાગઢમાં 619, કચ્છમાં 1568, ખેડામાં 1356 મહેસાણામાં 692, મહિસાગરમાં 922, મોરબીમાં 420, નર્મદામાં 806, નવસારીમાં 427, પંચમહાલમાં 1829, પાટણમાં 1047, પોરબંદરમાં 260, રાજકોટમાં 1152, સાબરકાંઠામાં 1928 સુરતમાં 798, સુરેન્દ્રનગરમાં 713, તાપીમાં 730, ડાંગમાં 578, વડોદરામાં 751, વલસાડમાં 1318 મળીને કુલ 30416 કામોનો સમાવેશ થાય છે.

નાગરિકો-ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે આ અભિયાન માનવીય સંવેદનાથી હાથ ધર્યુ હતું. જેને સૌ નાગરિકોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધુ છે. જેના પરિણામે જ આ અપ્રતિમ સફળતા મળી છે. રાજ્યના સૌ નાગરિકો કુદરતના પાણીનો પણ કરકસરપૂર્વક ઉપયોગ કરીને જળસંચયના આ કામને વધુને વધુ સુદ્રઢ બનાવે એ માટે હ્વદયપૂર્વકની અપીલ તેમણે કરી છે.

ગુજરાત સુજલામ સુફલામ જળ અભિયાનથી દેશમાં જળક્રાંતિનું રાહબર બનશે અને ‘હર ખેત કો પાની’નો મંત્ર સાકાર કરી જળક્રાંતિ સાથે હરિતક્રાંતિની આગેવાની લેશે એમ પણ મુખ્યમંત્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું છે.

Leave a Response

error: Content is protected !!