રાજનીતિ

આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુને વધું એક ફટકો , TDPના 4 સાંસદો એકસાથે BJPમાં જોડાયા

145views

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂ અત્યારે વિદેશમાં વેકેશન મનાવી રહ્યાં છે. તો બીજી તરફ લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આકરા પરાજયની કળ પણ નથી વળી ત્યાં વધુ એક ફટકો પડ્યો છે. ટીડીપીના ચાર રાજ્યસભા સાંસદ સાગમટે રાજીનામું આપી ભાજપમાં શામેલ થયા છે.

ટીડીપીના ચાર સાંસદ ગુરુવારે ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુને મળવા પહોંચ્યા, આ દરમિયાન ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમની સાથે હાજર હતા. ચારોએ ઉપ રાષ્ટ્રપતિને એક પત્ર સોંપ્યો, જેમાં તેઓએ ભાજપમાં સામેલ થવાની માગ કરી, ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સમાં બધા વિધિવત રીતે ભાજપમાં સામેલ કરાયા.

ટીડીપીમાંથી રાજીનામું આપનારા આ ચાર સાંસદસભ્યોમાં સીએમ રમેશ, ટીજી વેંકટેશ, જી મોહન રાવ અને વાઈએસ ચૌધરીનો સમાવેશ થાય છે. ચંદ્રબાબુ નાયડૂ લંડનના પ્રવાસે છે ત્યારે ભાજપે મોટો આઘાત આપ્યો છે.

ટીડીપીમાંથી રાજીનામું આપ્યા બાદ આ ચારેય સાંસદ ભાજપમાં શામેલ થઈ ગયા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આ ચારેય સાંસદ ભાજપમાં શામેલ થયા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીડીપીના રાજ્યસભાના કુલ 6 માંથી 4 પાર્ટી છોડે તો દળ બદલવાનો કાયદો લાગુ નહીં પડે. તેઓ રાજ્યસભાના સાંસદ પદે પણ યથાવત રહેશે.

એક તરફ ટીડીપી પ્રમુખ પોતાના પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં રજાઓનો આનંદ માણી રહ્યાં છે ત્યારે જ તેમને જોરદાર ઝાટકો મળ્યો છે. લોકસભા અને વિધાનસભામાં મળેલી કારમી હાર બાદ તેમની પાર્ટી તુટતી નજરે પડે છે. તેમની પાર્ટીના 4 વરિષ્ઠ નેતાઓ અને રાજ્યસભાના સાંસદે ટીડીપીને રામરામ કરી કેસરિયો ધારણ કરી લીધો છે. આ મામલે રાજ્યસભા સાંસદ વાઈએસ ચૌધરીએ ટ્વિટ કરી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની માહિતી આપી હતી.

ટીડીપીના પાર્ટીમાંથી રાજીનામા આપ્યા બાદ રાજ્યસભા સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જોકે જી મોહન રાવ આ મુલાકાતમાં શામેલ નહોતા પણ તેમણે પત્ર દ્વાર્રા પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ ચારેય સાંસદો ભાજપમાં શામેલ થઈ જવાથી મોદી સરકારનુ સંખ્યાબળ મજબુત બનશે અને વિપક્ષને મોટો ફટકો પડશે. આવનાર સમયમાં રાજ્યસભામાં અનેક પડતર બિલ પાસ કરાવવામાં મોદી સરકારને સફળતા મળશે.

હાલ આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ભાજપનો એક પણ ધારાસભ્ય નથી. જ્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 5 બેઠકો પર જીત મેળવી હતીએ. ગત વખતે ભાજપ અને ટીડીપી વચ્ચે જોડાણ હતું. જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા જ ટીડીપીએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. જેમાં તેમને કારમો પરાજય મળ્યો હતો. હવે ટીડીપીના એક સાથે 4 રાજ્યસભાના સાંસદ સભ્યો તુટ્યા છે.

હાલ આવું છે રાજ્યસભાનું ગણીત
245 સભ્યોની રાજ્યસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. તેની પાસે 75 સાંસદો છે. એનડીએની પાસે કુલ 104 સાંસદ છે. હવે તે વધીને 108 થઇ જશે. એક અંદાજ અનુસાર આવતા વર્ષ સુધીમાં ભાજપ અને એનડીએને રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી મળી જશે.

Leave a Response

error: Content is protected !!