Corona Update

ગુજરાતને મળી અનોખી સફળતા, ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામથી 95 લોકો મોતના મુખમાંથી પાછા ફર્યા

879views

રાજ્યભરમાં કાર્યરત કોવિડ હોસ્પિટલોમાં સેવારત તબીબોને વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી રાજ્યના એક્ષપર્ટ તબીબો દ્વારા  કોવિડ-૧૯ના ક્રિટિકલ દર્દીઓને સાજા કરવા લાઈવ માર્ગદર્શન આપવાના હેતુસર એક વિશેષ પ્રોજેકટ ચાલી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો આ ‘ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામ’ હાઈ રિસ્ક તથા વેન્ટિલેટર કેર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જેનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બેક ઓફિસ ચાલી રહેલા આ ‘ટેલી મેંટરીંગ પ્રોગ્રામ’ દ્વારા અત્યાર સુધીમાં મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે એવા કોરોના સંક્રમિત કોવિડ 19 પોઝિટિવ 24 બાળકો, 3 સગર્ભા અને 68 વૃદ્ધ દર્દીઓને સાજા કરવામાં આરોગ્ય વિભાગને વિશેષ સફળતા મળી છે.

તબીબોને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવે છે
રાજ્યમાં કોવિડ-19 હોસ્પિટલોમાં જે દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમાં કટેલાક કોમોર્બીડ અને હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ પોતાની અન્ય જટિલ બીમારીઓને કારણે ક્રિટિકલ સ્ટેજ પર આવી જતા હોય છે. આવા સંજોગોમાં આ દર્દીઓને કેવી રીતે બચાવવા તે તબીબો માટે પણ ક્યારેક મૂંઝવણભરી સ્થિતિ હોય છે. તબીબોની આ મુંઝવણ દૂર કરવા માટે રાજ્યના એક્ષપર્ટ તબીબોની ટીમ દ્વારા આ હોસ્પિટલમાં કાર્યરત તબીબોને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવે છે. દર્દીની સ્થિતિ વિશે જાણીને આવા ક્રિટિકલ દર્દીઓનું મૂલ્યાંકન કરી Webex Ciscoના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજીને કોવીડ હોસ્પિટલોના તબીબોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

95 હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા
રાજ્યમાં અત્યાર સુધીમાં 613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે ગયા છે, તે પૈકી 24 બાળકો, 3 સગર્ભા અને 68 વૃદ્ધ દર્દીઓ મળી 95 હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સાજા થઈને કોવીડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા 7 વર્ષથી નાની વયના 24 દર્દીઓમાં અમદાવાદના 16, બનાસકાંઠા અને ભાવનગરના 2-2, છોટાઉદેપુર અને ગાંધીનગરના 1-1 તથા સુરતના 2 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ 68 દર્દીઓમાં અમદાવાદના 34, ભાવનગર અને પાટણના 2-2, ગાંધીનગર અને મહીસાગરના 3-3, સુરતના 7, આણંદના 4, વડોદરાના 8 અને છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, નર્મદા તથા રાજકોટના 1-1 દર્દીઓનો સમાવેશ થાય છે.

શું છે ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ
આ એક વર્ચ્યુઅલ બેઠક છે. જેમાં રાજ્યની કોવીડ હોસ્પિટલોમાં સેવા આપી રહેલા તબીબોના ક્રિટીકલ દર્દીઓને લગતા સવાલોના ઓન લાઇન જવાબ આપી રાજ્યના અનુભવી અને નિષ્ણાંત તબીબો ક્રિટીકલ દર્દીઓને સાજા કરવામાં મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. આ પ્રોગ્રામ અંતર્ગત ચેપી રોગ નિષ્ણાંત, વેન્ટીલેટર કેરના નિષ્ણાંત, અનુભવી તજજ્ઞ તબીબો રાજયની કોવીડ હોસ્પિટલોમાં સેવારત તબીબોને તેમના ક્રિટીકલ દર્દીઓને લગતા પ્રશ્નો સંદર્ભે Webex Ciscoના માધ્યમથી જરૂરી સૂચનો આપે છે. કોવીડ હોસ્પિટલો ખાતે ગંભીર દર્દીઓના સ્વાસ્થ્ય અંગે આ વચ્યુઅલ બેઠકમાં ચિંતન કરવામાં આવે છે અને તેઓની સ્થિતિનું તજજ્ઞો ધ્વારા નિયમિતપણે મુલ્યાંકન કરવામાં આવે છે.
દરરોજ લોગ ઇન દ્વારા 60થી 70 જેટલા તબીબો ભાગ લે છે
આ પ્રકારની ચર્ચામાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો પણ ભાગ લઇ રહી છે. આ ચર્ચાથી આધુનિક માહિતી ઉપરાંત એક્ષપર્ટ તબીબોના અનુભવનો નિચોડ કોવિડ હોસ્પિટલમાં સેવારત તબીબોને પ્રાપ્ત થાય છે, જેનો વિશેષ લાભ તે હોસ્પિટલના દર્દીઓને મળી રહ્યો છે. દરરોજ આ બેઠકમાં લોગ ઇન દ્વારા 60થી 70 જેટલા તબીબો ભાગ લઇ રહ્યા છે અને  હોસ્પિટલ કક્ષાએ એક લોગઇન ધ્વારા પ થી ૬ તબીબો  ભાગ લઇ રહ્યા છે. આમ આ કાર્યક્રમનો બહોળો લાભ  રાજયની તમામ  હોસ્પિટલોને મળી રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!