જાણવા જેવુરાજનીતિ

મોદી સરકારના કાર્યકાળના 100 દિવસ વિક્રમજનક રહ્યાં

251views

હિમાદ્રી આચાર્ય

મોદી સરકાર તેના બીજા કાર્યકાળમાં ખૂબ જ કલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્ય કરી રહી છે. 7 સપ્ટેમ્બરના રોજ મોદી સરકાર- 2ને 100 દિવસ પુરા થયા. આ 100 દિવસના સમયગાળામાં મોદી સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા અને જનતાને આપેલા વચનો નિભાવતા અનેક બિલ પાસ કરવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે.

કાશ્મીરમાંથી ધારા 370 હટાવી

મોદી સરકારે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં ધારા 370 હટાવવાનું વચન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આ ધારા હટાવવાનું પગલું ખૂબ જ મુશ્કેલ ભર્યું, સાહસ અને હિંમત માગી લે તેવું હતું. મોદી સરકારે ભૂતપૂર્વ સાહસ અને દેશનિષ્ઠા દાખવીને ધારા 370 હટાવવાનો નિર્ણય લઇ જમ્મુ-કાશ્મીરને દેશની મુખ્યધારામાં ભેળવવાનું મહત્વનું કામ કર્યું છે. આ ધારા નાબુદ થવાથી જમ્મુ-કાશ્મીરના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસના નવા દરવાજા ખુલ્યા છે. જમ્મુ કાશ્મીરની પ્રજાને તમામ બંધારણીય હક્કો અને ફરજો લાગુ પડશે. પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધતા સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. શૈક્ષણિક અને રોજગારીના ક્ષેત્રે એસ.સી.,એસ.ટી.,માઈનોરીટી અને અન્ય જાતિઓને મળતી સુવિધાઓ હવે જમ્મુ કાશ્મીરની પ્રજાને પણ મળશે. (જે આજ સુધી મળતી ન હતી).મોદી સરકારનું આ પગલું ત્રાસવાદ પર અંતિમ પ્રહાર સમુ થઈ રહેશે.

તીન તલાક બિલ પાસ

વિપક્ષોની આડોડાઈ, ઘણાબધા વિવાદો, ધારણાઓ શંકા-કુશંકાઓ વચ્ચે આખરે મોદી સરકાર લોકસભા અને રાજ્યસભામાં મુસ્લિમ મહિલાને સ્વમાન સલામતી અને તેનો હક્ક અપાવતા મહત્વપૂર્ણ બિલ તીન તલાક બિલ પાસ કરાવવામાં સફળ રહી છે. ટૂંક સમયમાં જ આ બિલ વ્યવહારમાં અમલી બનશે. લૈંગિક ન્યાય અંતર્ગત, તીન તલાક બિલ સંખ્યાની દ્રષ્ટિએ પણ દુનિયાનું સૌથી મોટું બિલ બની રહેશે કે આ બીલ અંતર્ગત કરોડો મુસ્લિમ મહિલાઓને સુરક્ષા મળશે અથવા તેઓ આ બિલ અંતર્ગત લડાઈ આપી શકશે. પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે ભારતીય રાજનીતિના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે ભારતની કોઈ સરકારે મુસ્લિમોના જ હિત માટે સંકુચિત-રૂઢિવાદી- કટ્ટરપંથી ઈસ્લામિક તાકાતો સામે પડકારરૂપ લડત આપી હોય. કારણ અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે, ભારતની સરકારો(કોંગ્રેસ) ઈસ્લામિક સ્થાપિત હિતો સામે હંમેશા પીછેહઠ કરતી રહી છે. ચાહે તે તેમની ધમકીઓથી ડરીને વોટબેંક બચાવવાની ફિરાકમાં હોય પરંતુ ભારતમાં સૌથી લાંબો કાળ શાસન કરનારી કોંગ્રેસ ક્યારેય પણ કટ્ટરવાદી મુસ્લિમ તાકાતોની અયોગ્ય માંગણીઓ સામે લડત આપી શકી નથી.

UAPAએક્ટમાં સંશોધન

આતંકવાદ પર સકંજો કસવા મોદી સરકારે એ યુએપીએ બિલ પાસ કર્યું છે. મોદી સરકાર
સ્પષ્ટપણે માને છે કે, ફક્ત ગોળી ચલાવનાર જ આતંકવાદી નથી પણ પોતાના વિચારો તેમજ પોતાના સાહિત્ય દ્વારા પ્રદુષિત માનસિકતા ફેલાવીને અન્યોને આતંકવાદ તરફ પ્રોત્સાહિત કરનાર પણ આતંકવાદી જ છે. UAPA એક્ટ અંતર્ગત આવા તત્વોને આતંકવાદી ઘોષિત કરી તેના પર એક્શન લઈ શકશે. આ ધારા અંતર્ગત મોદી સરકારે હાલમાં જ મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ, હાફિસ સઈદ, મૌલાના મસૂદ અઝહર, ઝકીર-ઉલ-રહેમાન લખવીને આંતકવાદી ઘોષિત કરી અન્ય દેશોને તેના પર કાર્યવાહી કરવા દબાણ કર્યું છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં નવિન સુધારાઓ

મોદી સરકારે ભારતિય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લીધા છે. ઓફ ડુઈંગ બિઝનેઝ અંતર્ગત સુવિધાઓ વધારવા માટે પબ્લિક સેક્ટર બેંકને એ ફરજિયાત કરવામાં આવ્યું છે કે, લોનના ડોકયુમેન્ટ્સ પર કાર્યવાહી કરીને તેને પંદર દિવસમાં પરત સોંપી દેવામાં આવે અથવા લોન આપવામાં આવે. વળી વ્યાપારી કે બિઝનેસમેને કરેલી લોનની માંગ અંગેની પ્રક્રિયા અંગે ઓનલાઇન તેની ગતિવિધિ જોઈ શકશે. જેના કારણે પારદર્શિતા વધશે. ગ્રાહકને અસુવિધા અને ત્રાસ ઓછો થશે, આ પ્રક્રિયા ઝડપી બનતા લોન મેળવવામાં સમય ઓછો લાગશે અને વધુને વધુ લોકો બેન્ક લોન લેવા આકર્ષાશે.

અનેક બેન્કોનું ઐતિહાસિક મર્જર

મોદી સરકારે 10 મોટી સરકારી બેન્કોને મર્જ કરી ચાર મોટી સરકારી બેન્કો બનાવવાનું એલાન કર્યું છે. જેનાથી દેશમાં સરકારી બેન્કોની સંખ્યા ઘટીને બાર થઈ જશે. આ નિર્ણયથી વધી રહેલા એનપીએથી બેન્કોને રાહત મળશે. બેંકોની નફાકારકતા વધતા તેઓની ક્રેડિટ કેપેસિટી અને રિસ્ક કેપેસીટી વધશે જેનો લાભ અર્થવ્યવસ્થાને મળશે. ગ્રાહકોને બહેતર બેન્કિંગ સુવિધા મળશે. આ ઉપરાંત લોનના નિયમોને રેપોરેટ સાથે જોડી દેવામાં આવ્યા છે જેના કારણે બેંક લોન સસ્તી બનશે.

જળ શક્તિ મંત્રાલયનું ગઠન

જળસંકટ વિશે ચિંતિત અને તેને નિવારવા પ્રતિબદ્ધ મોદી સરકારે ભારતના ઇતિહાસમાં પહેલી જ વખત જળ શક્તિ મંત્રાલયની રચના કરી છે. ગજેન્દ્રસિંહ શેખાવત જેના મંત્રી છે. સરકાર રચાયાના પહેલા જ મહિનામાં સરકારે પહેલી જુલાઈના ‘જળ શક્તિ મિશન’ લોન્ચ કર્યું છે. જે મિશન અંતર્ગત 2024 સુધીમાં દેશભરમાં ઘરે ઘરે પાણી પહોંચતું કરવાનું ‛નલ સે જલ’નું મોટું લક્ષ્યાંક નક્કી કરાયું છે. ભારતના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે પાણીની સમસ્યાને પહોંચી વળવા આટલું જંગી અભિયાન હાથ ધરાયું હોય.

મજૂરો/નાના વેપારીઓ માટે પેન્શન યોજના

મોદી સરકારે પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન ધન યોજના મંજૂર કરી છે. જે અંતર્ગત 60 વર્ષથી ઉપરના હોય તેવા નાના વેપારીઓ, દુકાનદારો, મજૂરોને માસિક રૂપિયા 3000નું સરકારી પેન્શન મળશે.

કૃષિ વિષયક મહત્વના નિર્ણયો

મોદી સરકારે ખેડૂતોને શહુકારોથી મુક્તિ મળે એ માટે કિશાન ક્રેડિટ કાર્ડ(KCC)મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ખેડૂત કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવાને બદલે બેંક પાસેથી સસ્તાદરે પૈસા મેળવી શકે. સરકાર તરફથી બેંકોને સખત સૂચના આપવામાં આવી છે કે આવેદન મળ્યાના પંદર દિવસની અંદર જ કિસાન ક્રેડિટ કાર્ડ સંબંધિત વ્યક્તિને મળી જવું જોઈએ. ખેડૂતોની આવક બમણી થાય એ માટે કિસાન સ્કીમને વધુ વિસ્તૃત કરવામાં આવી જેના થકી વધુ 3.44 કરોડ ખેડૂતોને લાભ મળ્યો અને કુલ 6.34 કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો. આ ઉપરાંત પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત 60 સવર્ષની ઉપરના નાના/સિમાંત ખેડૂતોને માસિક રૂપિયા ત્રણ હજારનું સરકારી પેન્શન મળશે.

મોદીજીનું મિશન, ફીટ ઇન્ડિયા

સુખાકારી, વિકાસ અને પ્રગતિની પહેલી શરત માનવીની શારીરિક અને માનસિક તંદુરસ્તી છે. મોદીજી આ બંને તંદુરસ્તીનું મહત્વ સુપેરે સમજે છે. મોદીજીએ ખેલ દિવસના અવસર પર ‛ફિટ ઇન્ડિયા’ મુવમેન્ટની શરૂઆત કરી. આ અંતર્ગત સ્કુલ કોલેજ, જિલ્લા અને તાલુકા લેવલ પર આ મુવમેન્ટ મિશનની જેમ ચલાવવામાં આવશે. આ માટે ખેલ મંત્રાલય, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ અને ગ્રામિણ વિકાસ મંત્રાલય જેવા સરકારી મંત્રાલયો પરસ્પર તાલમેલ સાધીને કામ કરશે.

સબકા વિકાસ

અર્થતંત્રને મજબૂત કરતા અનેક નિર્ણયો 100 દિવસમાં લેવામાં આવ્યા. વિદેશી પોર્ટફોલિયો નિવેશ પર ફેરવિચારણા કરી તેને હળવા કરવામાં આવ્યા. ઉપરાંત LTCG અને STCG પર ફેર વિચારણા કરવામાં આવી. Nbfc સેક્ટરને મજબૂતી આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા.

ભારતને વૈશ્વિક ફલકે સ્વીકાર્યતા અપાવવામાં સફળ

પોતાના દ્વિતીય કાર્યકાળ દરમ્યાન મોદીજીને મુસ્લિમ દેશો તરફથી તેમના દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું.જે ખૂબ જ ગૌરવપૂર્ણ તો છે જ ઉપરાંત મુસ્લિમ દેશો તરફથી મળ્યું હોવાને કારણે વિશ્વ રાજનીતિના પરિપેક્ષયમાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. વળી કાશ્મીર મુદ્દે મહાસત્તાઓ સામે પાકિસ્તાનને ખોટું સાબિત કરવામાં મોદી સરકાર સફળ રહી જે તેની આગવી કુટનૈતિક સૂઝનું પરિણામ છે.

જનકલ્યાણની રાજનીતિ

મોદી સરકારના દ્વિતીય કાર્યકાળ દરમ્યાન આયુષ્યમાન યોજના અને ઉજ્વલા યોજના વધુને વધુ લક્ષ્યાંકો સર કરતી જઈ રહી છે.16086 હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત 41 લાખ લોકોને લાભ મળ્યો અને 10 કરોડ ઇ-કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. તો ઉજ્વલા યોજના હેઠળ સો દિવસના કાર્યકાળ દરમ્યાન એસી લાખ લોકોને લાભ મળ્યો છે. અને આજ સુધીમા કુલ આઠ કરોડ લોકોને ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો છે. 2022 સુધીમાં દરેક કુટુંબને વીજળી અને રાંધણગેસ ઉપલબ્ધ કરાવવાનું સરકારનુ લક્ષ્યાંક છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2022 સુધીમાં195 કરોડ આવાસ એનાયત કરવાનું લક્ષ્યાંક છે.

આમ 100 દિવસના કાર્યકાળમાં મોદી સરકાર–2એ વિકાસ અને પ્રગતિના માર્ગે નવા ચઢાણ સર કરવા, લોકોની સુખાકારીમાં વધારો કરવા, વહીવટને વધુ પારદર્શી અને ઝડપી બનાવવા, દેશમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ બનાવી રાખવા અનેક મહત્વના નિર્ણયો, અસરકારક પગલાઓ લઇ સંસદમાં વિવિધ બીલ્સ પાસ કર્યા છે. મોદી સરકારે તેની આગવી કાર્યવાહીને કારણે એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો. વાસ્તવમાં સંસદના કોઈ એક સત્રમાં આ અગાઉ ક્યારેય આટલી કાર્યવાહી થઇ નથી. મોદી સરકારે બજેટ સત્રમાં 40 બિલ રજૂ કર્યા જેમાંથી 30 બિલ એવા રહ્યા કે જે સંસદના બન્ને ગ્રહોમાં પાસ થયા જે એક વિક્રમ છે.

Leave a Response

error: Content is protected !!