Corona Update

અમદાવાદ સિવિલની ‘પર્પલ બ્રિગેડ’ટીમે ખેંચ્યું દેશ-દુનિયાનું ધ્યાન

930views

કોરોના વાયરસનું સંક્રમણ એક દેશમાંથી શરૂ થઈને વિશ્વવ્યાપી બન્યુ. કોવિડ૧૯ ઈન્ફેક્ટેડ રોગ હોવાથી તેને નિયંત્રિત કરવું ખુબ જ જરૂરી છે. જેને ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલની ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોવિડ૧૯ના ઈન્ફેક્શનને કંટ્રોલ કરવા માટે વિશેષપણે ‘પર્પલ બ્રિગેડ’ટીમ કાર્યરત છે. પર્પલ બ્રિેગેડ ટીમમાં ૨૧ ‘ઈન્ફેકશન કંટ્રોલ નર્સ’ સતત ૨૪ X ૭ કલાક ત્રણ શિફ્ટમાં કામગીરી કરી રહી છે.
કોરોનામાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી સંક્રમણ ફેલાય છે જેથી ચેપને ફેલાતો રોકવો ખુબ જ અનિવાર્ય છે. ચેપને ફેલાતો અટકાવવા માટે પર્પલ બ્રિગેડની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમનું મુખ્ય કામ ઈન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલનું (ચેપ નિવારણ અને નિયંત્રણ) છે.

૧૨૦૦ બેડ ડેડિકેટેડ હોસ્પિટલના રેસિડન્ટ મેડીકલ ઓફિસર ડૉ. સંજય કાપડિયા જણાવે છે કે, “કોરોનાની સારવાર માટે દર્દી દાખલ થાય ત્યારથી લઈને સ્વસ્થ્ય થઈને ઘરે જાય ત્યાં સુધી તેને અન્ય કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તે માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીને દરરોજ જંતુમુક્ત કરેલી અને સાફ કરેલી ચાદર, બાયો-મેડીકલ વેસ્ટનો નિકાલ, પોષણયુક્ત આહારની વ્યવસ્થા પણ પર્પલ બ્રિેગેડ દ્વારા કરવામાં આવે છે”.

સિવિલ હોસ્પિટલના નર્સિંગ અધિક્ષક બી.કે.પ્રજાપતિ જણાવે છે કે “છેલ્લા ચાર મહિનાથી પર્પલ બ્રિગેડની તમામ ઈન્ફેક્શન કંટ્રોસ નર્સ દ્વારા અભુતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. ખૂબ જ જોમ અને જુસ્સા સાથે તેઓ કામ કરી રહ્યા છે. ટીમ દ્વારા જનરલ વોર્ડ અને આઈ.સી.યુમાં મોનિટરિંગ તેમજ સર્વેલન્સની પણ કામગીરી પણ કરવામાં આવી રહી છે”.

બી.જે.મેડીકલના માઈક્રોબાયોલોજી વિભાગના અસોસિએટ પ્રોફેસર ડૉ. સુમિતા સોની જણાવે છે કે, “અમારી ટીમ દ્વારા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દી દ્વારા ઉપયોગમાં લેવાયેલ તમામ ચીજ-વસ્તુઓને ચેપમુક્ત કરવામાં આવે છે. સંપૂર્ણ ઓટોક્લેવ મશીનમાં ચાદર, ઓશીકાનાં કવર સહિતની ચીજોને જંતુમુક્ત કરવાની સાથે ક્લિનિંગ અને વોશિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.”
કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓેને સવારે ચા-નાસ્તો, જ્યુશ, ફ્રુટ, બપોર અને સાંજે પ્રોટ્રીનયુક્ત આહાર, સુપ, રાત્રે હળદરવાળું દૂધ અને આયુર્વેદિક ઉકાળો પણ પૂરો પાડવામાં આવે છે. ડાયાબિટીસ ધરાવતા કોરોનાના દર્દીની વિશેષ ચિંતા કરીને તેમને અલગથી જમવાનું આપવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વોર્ડમાં જે ચીજ-વસ્તુઓ લઈ જવામાં આવે છે તેને ઈન્ફેક્શન ન લાગે તે ક્લોઝ કન્ટેનરમાં રાખી નોન-ઈન્ફેક્ટેડ એરીયામાંથી લઈ જવામાં આવે છે.

કોવિડ હોસ્પિટલમાંથી ઉત્પન થતા બાયો-મેડીકલ વેસ્ટને યોગ્ય પ્રક્રિયા દ્વારા નિકાલ કરવામાં આવે છે. દરેક વોર્ડમાં અલગ-અલગ કલરની ડસ્ટબિન મૂકવામાં આવી છે તેમજ રેડ, ગ્રીન અને યલો કલરના ડક પણ બનાવવામાં આવ્યા છે. ડકમાં આવેલા કચરાને પણ સેનિટાઈઝ કરીને હોસ્પિટલની બહાર યોગ્ય નિકાલ કરવામાં આવે છે.
કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની બેડશીટ દરરોજ બદલવામાં આવે છે. અઠવાડિયાના સાત કલર નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ નવા-નવા કલરની બેડશીટ પાથરવામાં આવે છે. કોરોનાના પોઝિટીવ દર્દીઓના બેડશીટના રંગો દરરોજ બદલાવાને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર સાનુકૂળ અસર પડે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. બેડશીટનો ઉપયોગ કર્યા બાદ તેને ડાઈપોક્લોરાઈડ સોલ્યુશનમાં બોળ્યા બાદ વોશ કરવામાં આવે છે. દરેક વોર્ડનું ક્લિનિંગ, ડિસ-ઈન્ફેક્શન, એમ્બ્યુલન્સ વાનનું ક્લિનિંગ- ડિસ-ઈન્ફેક્શન, ડેડ બોડી વાન અને આઈ.સી.યુ સહિતના એરિયાનું ક્લિનિંગનું નિયમિતપણે કામ કરાવવામાં આવે છે.
કોરોનોગ્રસ્ત દર્દીઓ માટે આઈ.સી.યુ. ખૂબજ સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે જેથી આ વિસ્તારનું ક્લિનિંગ, ડીસ-ઈન્ફકેશન અને સેનિટાઈઝીંગ ખૂબ જ જરૂરી છે જેને ધ્યાને લઈ દર કલાકે સફાઈની કામગીરી કરવામાં આવે છે. જ્યારે કોઈપણ દર્દીનું પ્રવાહી ઢોળાયું હોય તે જગ્યાને હાઈપોક્લોરાઈડ નાંખીને ડિસ-ઈન્ફેક્શન કરી દેવામાં આવે છે.

પી.પી.ઈ કીટ પહેરવા માટેના વિસ્તારને ડોનિંગ એરીયા તરીકે ઓળખવામાં આવે છે. પીપીઈ કીટ પહેરવા માટે ચોક્કસ દિશા-નિર્દેશોનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. પીપીઈ કીટ નિકાલ માટેના વિસ્તારને ડોફિંગ એરીયા કહેવાય છે. આ બંન્ને એરીયામાં પણ ટીમ દ્વારા ઈન્ફેક્શનને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.

આવા કપરાકાળમાં પણ ઈન્ફેક્શન કંટ્રોલ નર્સ પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ખરેખ સાચા અર્થમાં તેઓ ‘ઈન્ફેક્શન કંટ્રોલ એન્જિનિયર’ છે. લાખ-લાખ અભિનંદન અને વંદન છે આવા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને…

Leave a Response

error: Content is protected !!