રાજનીતિ

શ્રી રામ અને રામભક્તોનો કળિયુગમાં પણ વિજય નિશ્ચિત છે…

104views

આક્રમણકારીનો ઈતિહાસ દેશનો ઈતિહાસ હોઈ શકે નહીં.બાબર આક્રમણકારી હતો. તેણે ભારત પર આક્રમણ કર્યું. દેશને લૂંટ્યો. આપણી પ્રજાની હત્યા કરી. આપણી અસ્મિતા અને જાન-માલને નુકસાન પહોચાડ્યું. મંદિરો તોડી મસ્જિદો બનાવી. શ્રી રામ મંદિરનું જન્મસ્થળ પણ તોડ્યું અને ત્યાં બાબરી મસ્જિદ બનાવી નાખી. તેના બાપ-દાદા ભારતનાં ન હતા. તે વિદેશથી આપણા દેશને લૂંટવા આવ્યો હતો. આખી દુનિયામાં ક્યાંય પણ વિદેશી લૂંટારુઓને કે તેના વંશજોને માલિક-વારસદાર સાબિત કરી શકાય નહીં. આ ઈતિહાસ સિદ્ધ તથ્ય છે. આક્રમણકારીનાં નામે કોઈપણ જગ્યાએ જમીન માલિકીનો દાવો કરી શકાતો નથી. લૂંટારૂને કોઈપણ જગ્યા-જમીનનો માલિક કે તેના વારસદાર તેના માલિક કહી કે માલિકી હક્ક સાબિત કરી શકાય નહીં. ન્યાયની વ્યાખ્યા અનુસાર ચોર-ડાકુને કોઇપણ મિલ્કતનો માલિકી હક્ક મળી જતો નથી. ભાઈ સાથે જમીનનો ભાગ વહેચી શકાય પરંતુ, આક્રમણકારી સાથે જમીન વિભાજનનો કોઈ પ્રશ્ન જ નથી. આ અવસર છે હિસ્ટોરીકલ રોન્ગ્સને સુધારવાનો. ઈતિહાસમાં થયેલી ભૂલોને સુધારવાનો શુભ સમય આવી ગયો છે.

ભારતનો કોઈ મુસ્લિમ બાબર સાથે ભારત આવ્યો ન હતો. ભારતના ૯૯.૯૯% મુસ્લિમો ભારતનાં છે. ઈતિહાસનાં જુદા-જુદા મુદ્દાઓ પર ભારતનાં હિન્દુઓએ વિવિધ સંજોગોમાં તેમના મંતવ્યો બદલ્યા. તેમના ધર્મપરિવર્તનને કારણે તે મુસ્લિમ બન્યા. મુસ્લિમો બનતા તેમનામાં શું-શું બદલાયું? માત્ર ધર્મ જ. તેમના પૂર્વજો હજી સમાન છે. તેમની સંસ્કૃતિ હજી પણ સમાન છે. તેમની ભાષા આજે પણ સમાન છે. તેમના આજીવિકાના સાધનો હજી પણ ભારતની માટી સાથે સંકળાયેલા છે. તેઓ હજી પણ તેમના પૂર્વજોનાં દેશમાં શ્વાસ લે છે. ભારતનાં સર્વે લોકો શ્રી રામના સંતાનો છે એવું એથનિસિટી સાયન્સ દ્વારા પણ પ્રમાણિત છે. ઈતિહાસ દ્વારા આ જીનિયોલોજી સાબિત થઈ છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે, હજ યાત્રા સમયે સાઉદી અરેબિયાના લોકો ભારતીય મુસ્લિમોને “હિન્દુ મુસ્લિમો” તરીકે ઓળખે છે. ઈન્ડોનેશિયાનાં મુસ્લિમ પોતાને શ્રી રામનાં વંશજ માને છે. ભારતનો મુસ્લિમ પણ આ હકીકત જાણે છે પરંતુ કટ્ટરવાદી તત્વોના પ્રભાવ હેઠળ તેઓ આંતરિક રીતે આ વાત સ્વીકાર્યા પછી પણ તેમનો સીધો સ્વીકાર કરી શકતા નથી.

કે.કે. મોહમ્મદે કહ્યું હતું કે, ભારતનાં મુસ્લિમોએ ઘણા સમય પહેલા જ અયોધ્યા મામલામાં સમજૂતી કરી શક્યા હોત. મુસ્લિમોએ અયોધ્યાની ધરતી પર પોતાનો દાવો છોડી દીધો હોત. પરંતુ કટ્ટર સમુદાયોએ આવું થવા દીધું નહીં. કોંગ્રેસીઓ અને સેક્યુલરોએ આવું થવા દીધું નહીં. આથી એ બાબત સિદ્ધ થાય છે કે, રામ જન્મભૂમિનાં કિસ્સામાં અવરોધ મુસ્લિમ, ન્યાયતંત્ર, સરકાર કે અન્ય કોઈ નહીં પરંતુ રામ જન્મભૂમિ મામલામાં અડચણરૂપ કટ્ટરપંથીઓ છે. રામ જન્મભૂમિ કેસમાં અવરોધ એવી વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ છે જે દેશની સેના અને શૌર્યતા પર સવાલ ઉઠાવે છે, એવા લોકો જેણે આજ સુધી માત્ર આક્રમણકારીઓનું મહિમામંડન જ કર્યું કરે છે. તેમનું અસ્તિત્વ જ આવા આક્રમણકારીઓથી સુરક્ષિત છે. આ જ ગેંગ શ્રી રામ જન્મભૂમિને વિવાદિત રાખવા પ્રયાસ કરી રહી છે.

આ દેશ શ્રી રામને આદર્શ માને છે. રાજા હોય તો રામ જેવા, પુત્ર હોય તો રામ જેવા, ભાઈ હોય તો ભરત જેવા, પત્ની હોય તો સીતા જેવા, સેવક હોય તો હનુમાન જેવા, મિત્રો હોય તો સુગ્રીવ – વિભીષણ જેવા, મંત્રી હોય તો જામવંત જેવા, પિતા પ્રેમ માટે દશરથ અને સ્ત્રી રક્ષક તરીકે જટાયુ, મંથરાની મુત્સદ્દીગીરી, કૈકેયીની રાષ્ટ્રકલ્યાણ માટેની કઠોરતા, કૌશલ્યાનું વાત્સલ્ય, ઉર્મિલાનું તપ, લક્ષ્મણની સેવા.. કેટકેટલું.. રામાયણનું એક-એક પાત્ર આદર્શ છે. રામાયણની પ્રત્યેક ઘટના આદર્શ છે.

ભારતીયોનાં જીવ અને જીવનમાં રામ વસે છે. આપણા રોમેરોમમાં રામ વસેલા છે. ભારતનાં દરેકેદરેક કણથી લઈ પર્યાવરણમાં રામ વસેલા છે. કોઈ શ્વાસ લે તો પણ રામ. કોઈ શ્વાસ છોડે તો પણ રામ. કોઈ મળે તો રામ કોઈ છોડીને જાય તો રામ રામ.. જો કોઈ ભૂલ થાય તો પણ હાય રામ. રામ નામ સાચું છે. જન્મમાં રામ, મૃત્યુમાં રામ, જીવનમાં રામ, સુખમાં રામ, દુ:ખમાં રામ. રામ જ મતિ છે અને રામ જ ગતિ છે.

આવી સ્થિતિ-પરીસ્થિતમાં, ભારતનાં લોકોની ભારતીયોની વિશાળ જનઆકાંક્ષા મુજબ રામનું જન્મસ્થળ શ્રી રામની માલિકીનું જ રહેશે. જન્મસ્થળ સ્થિર છે, અપરિવર્તનીય છે. તેને બદલી શકાતું નથી કે બીજે લઈ જઈ શકાતું નથી. જન્મસ્થળ કોઈ સાથે વહેચી પણ શકાતું કે ભાગ પણ પાડી શકાતું નથી. જન્મસ્થળ પૂજનીય છે, પવિત્ર છે. રામનું જન્મસ્થાન – જન્મસ્થળ અયોધ્યા જ છે. એ જ જન્મ જગ્યાની ૦.૩૩ એકર માટે આપણે ૪૯૧ વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે ભારતીય ન્યાયતંત્રમાં શ્રી રામ અને રામભક્તોનો વિજય નિશ્ચિત છે. ટૂંકસમયમાં અયોધ્યા મામલે ઐતિહાસિક નિર્ણય આવવાનો છે ત્યારે આપણે સૌએ સાથે મળી તેને શાંતિ-સંયમ સાથે સ્વીકાર કરવાનો છે, સહર્ષ વધાવવાનો-ઉજવવાનો છે. આ સમયે કોઈપણ પ્રકારનાં અતિશયોક્તિ કે આવેગ ટાળજો.. દેશ-સમાજમાં રામ રાજ્યનું સ્થાપન કરવું આપણા જ હાથમાં છે.
જય શ્રી રામ..

લેખક – ભવ્ય રાવલ

Leave a Response

error: Content is protected !!