જાણવા જેવુ

તમે જાણો છો, શરીરના હાડકાઓ બોલે છે?

121views

છાપાંઓ અને ટીવી ન્યુઝ ચેનલોમાં રોજબરોજ સેંકડો ગુનાઓના સમાચારો આવે છે. સામાન્ય રીતે આપણે આવા સમાચારોને વાંચીને ભુલી જતા હોઇએ છીએ. બહુ બહુ તો આરોપી પકડાયા કે નહિં તે જોઇ લેતા હોઇએ છીએ. પણ તમે ક્યારેય વિચાર્યું કે ગુનાશોધક ખાતું કઇ રીતે ગુનાઓની કળીઓ મેળવે છે? મૃતકની વિગતો કઇ રીતે મેળવે છે? ગુનેગારો ગુનો કર્યા બાદ આબાદ બચી ગયાના વહેમ રહે છે પણ તેને ક્યાં ખબર છે કે મૃતકના હાડકાઓ તેના પાપો પોકારી પોકારીને ખુલ્લા પાડી શકે છે.

આગમાં બળીને ભડથું થયેલ લાશ મળે કે લાંબા સમયથી પડી રહેવાથી કોહવાયેલી લાશ મળે તો તે લાશ કોઇ સ્ત્રીની છે કે પુરુષની, તેની ઉંમર કેટલી છે? તેને કોઇ રોગ હતો કે નહિં? આ બધી વિગતો ગુનાશોધનમાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે. આ માટે ગુનાશોધક માનવશરીરના હાડકાનીતપાસ કરે છે. મૃત્યુ પહેલા વ્યક્તિ બોલે તો મૃત્યુ બાદ તેના હાડકાઓ બોલે છે.

આમ પણ માનવશરીરમાં હાડકાઓનું મહત્વ તો જાણીતું છે. હાડકાઓ માનવશરીરને ટેકો આપવાનું, લોહીના કણો અને માવો બનાવવાનું કામ કરે છે. સ્તન્ય પ્રાણીઓમાં,પક્ષીઓ, સરીસૃપો કે મત્સ્ય પ્રજાતીમાં પણ હાડકાઓનું પોતાનું કાર્ય અને મહત્વ છે.

માનવશરીરમાં હાડકા વધુમાં વધુ સખત ભાગ છે, માટે તેનો સૌથી છેલ્લે નાશ થાય છે. આપણા શરીરમાં નાના-મોટા થઇને લગભગ ૨૦૬ હાડકાઓ આવેલા છે. આમાંથી મહત્વના ૧૨ હાડકાઓ ગુનાશોધનમાં ખુબ ઉપયોગી થાય છે. તે ગુનાશોધકને અનેક પ્રકારની માહીતી આપે છે.

જાંઘથી ગોઠણ સુધીનું હાડકું ફેમર (Femur) તરીકે ઓળખાય છે. પગના નળાનું જાડુ હાડકું ટિબિયા (Tibia) તરીકે ઓળખાય છે. પગના નળાનું ઝીણું હાડકું ફિબ્યુલા (Fibula) તરીકે ઓળખાય છે. ખભાથી કોણી સુધીનું હાડકું હ્યુમેરસ (Humerus) તરીકે ઓળખાય છે. કોણીથી કાંડા સુધીનું જાડું હાડકું રેડિયસ (Radius) તરીકે ઓળખાય છે. કોણીથી કાંડા સુધીનું ઝીણું હાડકું અલના (Ulna) તરીકે ઓળખાય છે.

આ દરેક પ્રકારના હાડકાની લંબાઇ સાથે માણસની ઉંચાઇ અને વજન સાથે સંબંધ છે. દર વીસથી ત્રીસ વર્ષે માનવજાત આશરે અડધો ઇંચ વધે છે. તે હકીકતને ધ્યાને રાખીને વ્યક્તિની ઉંમરનો અંદાજો મેળવી શકાય છે. સાથે સાથે તેની લંબાઇને આધારે મૃતકની જાતિ પણ જાણી શકાય છે. જેમ કે, પુરુષના ફેમરની લંબાઇ ૪૩.૧૭ સે.મી. હોય છે જ્યારે સ્ત્રીના ફેમરની લંબાઇ ૪૧.૧૭ સે.મી. હોય છે. એજ રીતે પુરુષના ટિબિયાની લંબાઇ ૩૬.૨૨ સે.મી. હોય છે જ્યારે સ્ત્રીના ટિબિયાની લંબાઇ ૩૩.૬૩ સે.મી. હોય છે.  આવા પ્રકારની વિગતોને આધારે મૃતકની જાતી અને તેની અંદાજીત ઉંચાઇ પણ જાણી શકાય છે. પોલિસ દ્વારા ગુમ થયેલ વ્યક્તિ કે મૃતકની અંદાજીત ઉંચાઇના આંકડાઓ પરીવારજનો પાસેથી મેળવે છે જેથી કોઇ એવી લાશ મળે તો તેના આંકડાઓ સાથે સરખાવી શકાય. હવે, તમને ખ્યાલ આવ્યો હશેને કે, ટીવીમાં કે છાપાંમાં ગુમ થયેલ વ્યક્તિની જાહેરાતમાં અંદાજીત હાઇટ શા માટે લખવામાં આવતી હોય છે!

એન્ટિહ્યુમન સિરમનો ઉપયોગ કરીને કોઇ હાડકા મનુષ્યના છે કે પ્રાણીના એ પણ જાણી શકાય છે. બસ્તીપ્રદેશના હાડકા સલામત મળે તો પણ તેના આધારે નક્કી કરી શકાય છે કે, કંકાલ સ્ત્રીનું છે કે પુરુષનું? મળેલા હાડકાઓને યોગ્ય રીતે ગોઠવીને એ તાગ મેળવવામાં આવે છે કે, હાડકાઓ એક મૃતકના છે કે એક કરતા વધારેના? એક સરખા હાડકા મળે તો ખ્યાલ આવી શકે કે એક કરતા વધુ વ્યક્તિના મોત થયા છે.

દાંતનો વિકાસ કે બે હાડકા વચ્ચેના સાંધાઓમાં થયેલા વિકાસની તપાસ કરીને પણ મરનાર વ્યક્તિની ઉંમર વિશે જાણી શકાય છે. હાડકાઓના વજનને આધારે પણ મરનારની જાતિ એટલે કે પુરુષ છે કે સ્ત્રી અને તેની ઉંમર કેટલી છે તે જાણી શકાય છે.

હાડકા પરથી મૃત્યુનો ચોક્કસ સમય જાણી શકાતો નથી પણ અંદાજો જરૂર લગાવી શકાય છે. હાડકાની વાસ, તેમાં પડેલ તીરાડો, તેનું સંકોચન, તેનું વિશિષ્ટ ગુરુત્વ, ગુમાવેલું વજન, કાર્બન ઉત્સર્જન વગેરેના આંકડાઓ મરનારના મૃત્યુનો અંદાજીત સમય મેળવી શકાય છે. આ ઉપરાંત હાડકાના કણોના સુક્ષ્મદર્શક યંત્ર વડે પરીક્ષણ દ્વારાનક્કી કરી શકાય છે કે મૃતકનું કોઇ ભારે હથીયાર વડે મોત નીપજાવેલ છે, કાપવામાં આવેલ છે કે તેને બાળવમાં આવેલ છે. ઝેરની અસર હાડકા પર પણ થાય છે. હાડકાને બાળી નાખ્યા બાદ પણ તેની રાખમાં કેટલાક ઝેર સચવયેલા પડ્યા રહે છે. માટે તેની તપાસ પણ ગુનાશોધનમાં કળી શોધવામાં મહત્વપુર્ણ સાબિત થાય છે.આ સાથે સાથે હાડકાનો ઉંડો અભ્યાસ કરવામાં આવે તો તે કયા પ્રદેશનો રહેવાશી હશે તેનો પણ અંદાજો મેળવી શકાય છે. આજે હાડકાઓ અંગે ઘણા રિસર્ચ ચાલુ છે અને તેના આધારે ગુનાશોધન પ્રક્રિયામાં ઝડપ પણ આવી રહી છે.

હાડકાઓનો અભ્યાસ ફક્ત ગુનાશોધનમાં જ નહિં પણ ઇતિહાસકારો અને નૃવંશશાસ્ત્રીઓ વગેરે પણ કરે છે. એની વાત પછી ક્યારેક.

– ઉદય  ભટ્ટ

error: Content is protected !!