જાણવા જેવુરાજનીતિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારની આજે પુણ્‍યતિથી

725views

ડૉ. કેશવ બલીરામ હેડગેવાર (૧ એપ્રિલ ૧૮૮૯ – ૨૧ જૂન ૧૯૪૦), એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)ના સ્થાપક અને સરસંઘચાલક હતા. તેઓ ડૉક્ટરજીના હુલામણા નામે જાણીતા હતા. તેમણે ૧૯૨૫માં નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ. એસ.)ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ હિંદુત્વની વિચારધારા ધરાવતા એક ભારતની સંકલ્પનાનો પ્રસાર કરવાનો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના

૧૯૨૦ના દશકમાં હેડગેવારે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં સક્રીય ભૂમિકા ભજવી હતી. પણ તેની નીતિઓ અને આંતરિક ખટપટો તેમને ગમી નહિ. ૧૯૨૩માં ફાટી નીકળેલા હિંદુ મુસ્લીમ દંગાઓને કારણે એક નવા રાષ્ટ્ર-નિર્માણની સંકલ્પના તેમના વિચારોમાં આકાર પામી. લોકમાન્ય બાળગંગાધર ટિળક અને સ્વાતંત્ર્યવીર સાવરકરના લખાણોની તેમના પર ઊંડી અસર પડી. તેમનો વિચાર હતો કે હિંદુઓનો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના પાયા પર ભારતીય રાષ્ટ્રવાદ રચાવો જોઈએ.

૧૯૨૫માં વિજયા દશમીને દિવસે હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ હિંદુ સમાજના સંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુનર્જીવન દઈ સમાજનું પુનર્ગઠન કરવાનો અને તેના દ્વારા દેશને વિદેશી આધિપત્યથી છોડાવવાનો હતો. તેમણે આ સંગઠનમાટે ‘રાષ્ટ્રીય’ શબ્દ પસંદ કર્યો કેમકે તેઓ હિંદુ તરીકેની ઓળખને રાષ્ટ્રીયતા સાથે પ્રતિપાદીત કરવા ધારતા હતા. આ વાતની પુષ્ટી તેમની શાખાની સભાને અંતે ગવાતી પ્રાર્થના દ્વારા થઈ શકે છે. ૧૯૩૬માં તેમણે સંસ્થાની મહિલાશાખાની શરૂઆત કરી.

ભૈયાજી દાની, બાબા સાહેબ આપ્ટે, બાળાસાહેબ દેઓરસ અને મધુકર રાવ ભાગવત આદિ તેમના શરૂઆતી અનુયાયીઓ હતા. નાગપુર અને આસપાસના ક્ષેત્રોમાં સંઘ શક્તિશાળી બનવા લાગ્યો અને અમુક સમયમાં તે અન્ય પ્રાંતોમાં પણ ફેલાવા લાગ્યો. હેડગેવાર ઘણી જગ્યાએ ફર્યા અને યુવકોને સંઘના કાર્યમાં સહભાગી થવા આમંત્રણ આપતા. ધીમે ધીમે તેમના ઓળખીતાઓ તેમને પ્રમથી ડોક્ટરજીના હુલામણા નામે સંબોધવા લાગ્યા હતા. તેમની હાકલ થતા સંઘના સ્વયંસેવકો અભ્યાસ માટે કાશી અને લખનૌ જેવા શહેરોમાં ગયા અને ત્યાં પણ સંઘની શાખાઓ સ્થાપી.

શરૂઆતનું જીવન

તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૬ની ચૈત્ર સુદ પ્રતિપદા (એકમ) (૧ એપ્રિલ ૧૮૮૯) ના દિવસે નાગપુરના મરાઠી દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બલિરામ પંત હેડગેવાર અને માતાનું નામ રેવતી હતું. તેઓનો પરિવાર એક સામાન્ય પરિવાર હતો. જ્યારે હેડગેવાર ૧૩ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા બન્ને પ્લેગનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા હતા.તેમના મોટા ભાઈ મહાદેવ પંત અને સીતારામ પંતે તેમને મોટો કર્યો અને તેમને યોગ્ય અભ્યાસની સવલત પૂરી પાડી.

મૃત્યુ અને વારસો

જીવનના પાછલા ભાગમાં તેમની તબિયત બગડવા લાગી. તેમને પ્રાય: પીઠનો દુઃખાવો રહેતો. તેમણે સંઘની સત્તાઓ એમ. એસ. ગોલવલકરને સોંપી, જેઓ આગળ જઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક બન્યા. ૧૯૪૦માં ગરમ પાણીના ઝરાના ઉપચાર માટે તેમને બિહારના રાજગૃહીમાં લઈ જવામાં આવ્યા

૧૯૪૦માં તેમણે સંઘ શિક્ષા વર્ગમાં સ્વયંસેવકોને છેલ્લું ઉદ્બોધન કર્યું. તેમાં તેમણે જણાવ્યું કે: ‘આજે હ્ં મારી આંખ સમક્ષ એક સૂક્ષ્મ હિંદુ રાષ્ટ્ર જોઈ રહ્યો છું.” ૨૧ જૂન ૧૯૪૦ના દિવસે નાગપુરમાં તેમનું મૃત્યુ થયું. તેમને અંત્યેષ્ટી નાગપુરના રેશમ બાગમાં સંપન્ન કરવામાં આવી.

Leave a Response

error: Content is protected !!