રાજનીતિ

ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહનો પ્રથમ ગુજરાત પ્રવાસ, જાણો શું છે કાર્યક્રમો

149views

કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રથમ વાર ગુજરાત આવશે. આગામી ૩ જુલાઈએ અમિત શાહ અમદાવાદ આવશે. શાહનાં બે થી ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસમાં ચારથી પાંચ કાર્યક્રમો ગોઠવાયા હોવાનું અનુમાન છે. જેમાં જગન્નાથ મંદિરે મંગળા આરતી, ઇન્કમટેક્ષ પાસે ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ, કે.ડી પટેલ હોલનું લોકાર્પણ, એલિસબ્રિજમાં જનસંપર્ક કાર્યાલયની શરૂઆત તેમજ રાજ્યસભા ચૂંટણીને લઈને સંગઠનાત્મક બેઠકોનો સમાવેશ થાય છે.

જગન્નાથ મંદિરે મંગળા આરતી

દર વર્ષે અમિત શાહ રથયાત્રાના દિવસે ભગવાન જન્નાથની મંગળા આરતીમાં તેમના પરિવારની સાથે હાજરી આપતા હોય છે. આ વર્ષે પણ અમિત શાહે આ ક્રમ જાળવી રાખ્યો છે. અમિત શાહ ગૃહપ્રધાન બન્યા પછી પહેલીવાર પરિવાર સાથે 4 જુલાઈએ ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લેશે અને ભગવાન જગન્નાથનાં આશીર્વાદ લેશે.

ઇન્કમટેક્ષ ફ્લાયઓવર, કે.ડી. પટેલ હોલનું લોકાર્પણ

ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે ટ્રાફિક હળવો કરવા માટે મનપા દ્વારા બનાવવામાં આવેલા નવા ઓવરબ્રિજ તેમજ કે.ડી. પટેલ હોલનું લોકાર્પણ કરશે. માનપા દ્વારા આ બંને કાર્યક્રમો માટે અમિત શાહ પાસે સમય માંગવામાં આવ્યો છે.

એલિસબ્રિજ વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયની શરૂઆત

ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા. એલિસબ્રિજ વિધાનસભા ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી હોવાથી  હવે જ્યારે તેઓ બન્યા સાંસદ છે ત્યારે તેમના વિસ્તારના લોકોની સમસ્યાઓને જાણી શકાય અને સમસ્યાનો ઉકેલ લાવી શકાય, તે માટે તેઓ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.

રાજ્યસભા ચૂંટણી અંગે બેઠક

આગામી પાંચમી તારીખે રાજ્યાસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ સંગઠનનાં ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતે બેઠક કરશે.

 

Leave a Response

error: Content is protected !!