વિકાસની વાત

સમાજનો આધારસ્તંભ છે સ્ત્રી.. વાત્સલ્યરૂપી વનિતાના વિચારો કેવા હોવા જોઈએ ?

127views

સ્ત્રીનું સર્જન કરીને ભગવાને જાણે કે પોતાનું વાત્સલ્ય પૃથ્વી પર વહેતું મૂક્યું છે. સ્ત્રી ઈશ્વરે આપેલા આ વાત્સલ્યથી ધરતી પર સઘળું લીલુંછમ રાખે છે. સ્ત્રી સંવેદનાથી ભરપૂર હોય છે. સંવેદના જ સ્ત્રીત્વની સાબિતી હોય એમ લાગે.
પણ જ્યારે સમાજમાં એ જ સ્ત્રીને જુદી દ્રષ્ટિએ મુલાવવામાં આવે ત્યારે દુઃખ થાય છે. કોઈને ત્યાં દીકરી જન્મે ત્યારે કહેવામાં આવે છે કે ભલે ને દીકરી જન્મી, કાંઈ વાંધો નહીં એ કયાં રાતે ઊઠીને ખાય જાય છે ત્યારે મને આવા વાક્યોનો ગર્ભિત અર્થ નકારાત્મક જ લાગે છે. જાણે કહેવા માગતા હોય કે દીકરો જન્મ્યો હોત તો સારું થાત. હું પણ દીકરાની વિરુદ્ધમાં નથી. પણ આપણા સમાજની આ અઢારમી સદીની માનસિકતા એકવીસમી સદીમાં પણ અકળાવે છે.
આજના સમાજમાં સ્ત્રીઓ શું કરી શકે છે અને સ્ત્રીઓએ શું કરવું જોઈએ એ ચિંતનનો વિષય છે.
સ્ત્રીઓએ પોતાની આવડતને વિકસાવી જોઈએ. મોટાભાગે દરેક સ્ત્રી બહુમુખી પ્રતિભા ધરાવતી હોય છે પરંતુ તે પોતે તેનાથી સભાન નથી હોતી કેમ કે પેઢીઓથી તેનો ઉછેર જ એવી રીતે કરવામાં આવ્યો હોય છે. તે પોતાનામાં રહેલી વિશેષતા બાબતે સભાન નથી હોતી. પરંપરાગત કાર્યોમાં એ એવી ગળાડૂબ હોય છે કે તેને પોતાનામાં રહેલી અન્ય આવડત અને ક્ષમતા વિશે વિચારવાનો સમય જ નથી હોતો. જો કે સ્ત્રીઓનો એક સમૂહ એવો પણ છે જે પોતાની આવડતને ચાર દિવાલોની બહાર લઈ ગઈ છે.
આજની સ્ત્રીએ બાળઉછેરથી લઈ સમાજ વ્યવસ્થા સુધીનાં વિવિધ તબક્કાઓમાં પોતાનું યોગદાન એ રીતે આપવું જોઈએ કે આજની પેઢીને સંસ્કારનો વારસો આપી શકાય અને આ વારસાને ટકાવી શકાય. આજે આપણી યુવાપેઢીને બચવાની છે અને તે કાર્ય સ્ત્રીએ જ કરવાનું છે પછી તે માતા, બહેન, પત્ની, નાની કે દાદી કોઈ પણ સ્વરૂપે હોય. સારા વિચારો અને સંસ્કારોનું સિંચન મારી દ્રષ્ટિએ માત્ર અને માત્ર સ્ત્રીઓ જ કરી શકે એમ છે નહીં કે ધર્મગુરુઓ કે કથાકારો.
બાળકો વાતોથી નહીં પણ અનુકરણથી શીખે છે. બાળકો પર સૌથી વધું અસર તેના માતા-પિતા અને શિક્ષકોના વર્તન અને આચારણની પડે છે માટે દરેક માતાપિતા અને શિક્ષકોની જવાબદારી બને છે કે એ પોતાના બાળકો માટે આદર્શ બનવાનો પ્રયત્ન કરે. આપણે બાળકોના Rolemodel છીએ એ ન ભૂલવું જોઈએ. ઘણી સ્કૂલોમાં હાજર હોઈએ છીએ ત્યારે અનુભવીએ છીએ કે માતાપિતા આજ્ઞાનવશ પોતાના સંતાનોને પશ્ચિમી સંસ્કૃતિ તરફ ધકેલે છે અને એમાં પણ ગર્વ લેતાં હોય છે! પોતાનું સંતાન અન્ય વિષયોમાં સારું હોય પણ જો તેને english ન આવડે તો પોતે તો લઘુતાગ્રંથિ પીડાય છે પણ પોતાના જ સંતાનને પણ હીન ગણાતાં હોય છે. જાણે-અજાણે તે પોતાનાં બાળકને વિદેશી બનાવી દે છે. આપણો સમાજ અંગ્રેજોની ગુલામીમાંથી શારીરિક રીતે તો આઝાદ થયો છે પણ માનસિક ગુલામી હજુ એવીને એવી જ છે. આજે આપણા સમાજમાં વૃદ્ધાશ્રમો વધતાં જાય છે તેનું એક કારણ આ પણ છે. સ્ત્રીએ જ સમાજનો આધારસ્તંભ બનવું પડશે. સમાજમાં સંસ્કાર સિંચન કરવાં સ્ત્રી જેટલું સબળ અને સક્ષમ બીજું કોઈ નથી. તંદુરસ્ત અને મજબૂત સમાજના નિર્માણ માટે સ્ત્રીએ તેનાં ઘરના અને તેની સાથે સંકળાયેલા તમામ લોકો માટે હકારાત્મક વિચારસરણી અપનાવવી પડશે. અન્યને તેવું કરવાં પ્રેરણારૂપ બનવું પડશે. નિંદારસ જ પરમ રસ નથી એવું સમાજને શીખવવું પડશે. અન્યને ઉપયોગી બનો. સમાજમાં પ્રેમ પ્રસરે એવી વિચારસરણી રાખો. બાળકોને પ્રેમ કરતાં શીખવો, નહીં કે નફરત. જો સ્ત્રી ઊર્ધ્વગામી વિચારસરણી ધરાવતી હશે તો જ કુટુંબ અને સમાજ સારો, સદાચારી અને સશક્ત બની શકશે.

-નીતા ત્રિવેદી

error: Content is protected !!