વિકાસની વાત

રાજ્યમાં સંકટના વાદળો છવાયા, ‘વાયુ’ વેગથી ત્રાટકશે વાવાઝોડું, વેરાવળથી 740 કિમી દૂર

118views

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે. રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાંગ્રસ્ત 39 ગામોને એલર્ટ લેવાની સૂચના આપી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાના આદેશ કર્યો છે.

ગઈકાલથી જ ગુજરાતના અનેક બંદરો પર એક નંબરનું સિગ્નલ આપી દેવાયું હતું, અને દરિયો ખેડવા ગયેલી તમામ બોટને પરત બોલાવી લેવાઈ હતી. જેથી માછીમારો તો પરત ફરી ગયા છે. પણ હાલ વાયુ વાવાઝોડાના શું અપડેટ્સ છે તે જાણી લો.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે વાયુ વાવાઝોડાની અંગે જાણકારી આપી, 13 જૂનના પહેલી સવારે વાયુ વાવાઝોડું પોરબંદર મહુવાને હીટ કરીને વેરાવળ અને દીવ વચ્ચેથી ક્રોસ કરશે અને વાવાઝોડાની ઝડપ 120થી 130 કિલોમીટર રહશે. જેના પગલે સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર બે નંબરનું સિંગ્નલ લગાવવામાં આવ્યું છે. અત્યારે વેરાવળથી 560 કીલોમિટર દૂર દક્ષિણમાં જે 13મી જૂને વહેલી સવારે ત્રાટકશે.

વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે અને જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ વરસાદનું જોર પણ ઘટતું જશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડું સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર કરશે. જેવા કે ભાવનગર, અમરેલી, દીવ, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ અને કચ્છને અસર કરશે.

દીવમાં 3 નંબરનું સિગ્નલ લગાડાયું

દીવમાં ગઇકાલે એક નંબર બાદ બે નંબરનું સિગ્નલ લગાડાયું હતું. આજે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચી જવા સૂચના આપી દેવાઇ છે.

અમરેલીના 23 ગામોને એલર્ટ કરાયા

વાવાઝોડાને પગલે જાફરાબાદ બંદર પર એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી જાફરાબાદ બંદર પર પહોંચી માછીમારો સાથે ચર્ચા કરીને બોટોને કિનારે મજબૂતીથી બાંધવાની સુચના આપી હતી. સરકાર દ્વારા હીરા સોલંકીને જાફરાબાદ બંદરે સ્ટેન્ડ બાય રહેવાની તાકીદ કરાઇ છે. જાફરાબાદના 10 ગામો અને રાજુલાના 13 ગામોને એલર્ટ કરાયા છે.

રાજકોટમાં 13 જુને શાળા-કોલેજોમાં રજા જાહેર

વાવાઝોડાના પગલે રાજકોટ મ્યનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધી પાનીએ 13 જુનના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.

ગીર સોમનાથના 40 ગામને એલર્ટ કરાયા

વાવાઝોડાના પગલે ગીરસોમનાથના 40 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળના 9, સુત્રાપાડાના 7, કોડીનારના 8 અને ઉનાના 17 ગામોનો સમાવેશ થાય છે. NDRFની ટીમ વેરાવળ આવવા રવાના થઇ ગઇ છે. જિલ્લાનું સમગ્ર તંત્ર સાબદુ થયું છે. પોરબંદર જિલ્લાની તમામ 4229 બોટ બંદરે પાછી આવી ગઇ છે, દરિયામાં એક પણ બોટ ન હોવાનું ફીશરીઝ વિભાગ દ્વાર જણાવાયું છે. ઘોઘા-દહેજ રો રો ફેરી વાવાઝોડાને પગલે બંધ કરી દેવામાં આવી છે.

અમરેલીના દરેક તાલુકા મથકો પર કંટ્રોલરૂમ શરૂ કરાયા.દ્વારકાના 10 બંદરો પર 5221 બોટ પરત ફરી.આજે સાંજથી કચ્છમાં વાયુની અસર વર્તાવવાનું શરૂ થશે.દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

તોફાનને પગલે ગુજરાતમાં NDRFની 15 ટીમો વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય પર મૂકાઈ છે. રો-રો ફેરી સર્વિસનું ઑપરેશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. ગુજરાતનો હવામાન વિભાગનો કંટ્રોલ રૂમ સમગ્ર વાતાવરણની પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખી રહ્યું છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. તો વાયુને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો કંટ્રોલ રૂમ પણ ધમધમી ઉઠ્યો છે.

Leave a Response

error: Content is protected !!