રાજનીતિ

દરિયાકાંઠાના વિસ્તારોને ગભરાવવાની નથી જરૂર, રાજ્ય સરકાર તમામ તૈયારી સાથે સજ્જ

115views

વાયુ વાવાઝોડુ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે અને તેની અસર પણ શરૂ થઈ ગઈ છે. દ્વારકા,કોડીનાર,વેરાવળનો દરિયો ગાંડોતુર બન્યો છે. અચાનક મોજા ઉછળવાના શરૂ થયા છે, પોલિસ અને રાજ્ય સરકાર દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી રહ્યા છે..  વાયુ વાવાઝોડાને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.  કેન્દ્ર સરકારે પણ એડવાઈઝરી બહાર પાડીને ચેતવણી આપી છે. ગૃહમંત્રી અમિત શાહે આ બાબતે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.

આર્મી, NDRF, SDRF ની ટીમ ખડેપગે

વાયુ વાવાઝોડુ ત્રાટકે એ પહેલાં જ આર્મી, NDRF તેમજ SDRFની ટીમોએ રાહત અને બચાવ કામગીરી માટે મોરચો સાંભળી લીધો છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં જિલ્લાઓમાં આર્મીની 34, NDRF ની 35 અને SDRF ની ૧૧ ટીમો ખડેપગે છે. તો પુણે અને ભટીંડાથી NDRFની વધુ ૨૦ ટીમો ગુજરાત આવવા રવાના થઇ ગઈ છે. સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મરિન સિક્યુરિટી ફોર્સના જવાનો ઉપરાંત એસડીઆરએફની 11 ટીમોને રવાના કરવામાં આવી છે.

મુખ્યસચિવે યોજી સમીક્ષા બેઠક

વાયુ વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીઓની સમીક્ષા કરવાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી.મુખ્ય સચિવે સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સહિત વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધી દરિયાકાંઠાના વિસ્તારોમાંથી નાગરિકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતરથી માંડીને લોકોના જાન-માલના રક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, વીજળી, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ વાવાઝોડા સામેની લોકજાગૃતિ જેવા વિવિધ મુદે માર્ગદર્શન-સૂચનો આપ્યા હતા.

દરિયાકાંઠાનાં વિસ્તારમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરાયું

વાયુ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મોટી જાનહાની થવાની શક્યતાને પગલે સાવચેતીનાં ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનાં જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છનાં દરિયાકાંઠાનાં ગામોને ખાલી કરાવી હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ગીર-સોમનાથ, દીવ અને પોરબંદરમાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોરબંદરનાં ૭૪ થી વધુ ગામડાઓનાં 35,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સ્થળાંતર કરીને શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલાં લોકોને ખાવા પીવાની તેમજ આરોગ્યની સુવિધા મળે તે માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. તેમજ 5 લાખ ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરાઈ છે.

કેબીનેટ બેઠક, શાળા પ્રવેશોત્સવ રદ્દ

વાયુ વાવાઝોડાનાં પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગામી ૧૩ થી ૧૫ જૂન દરમિયાન રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ રદ્દ કરવાની જાહેરાત કરી છે તેમજ મંગળવારે મળનારી રાજ્ય સરકારની કેબીનેટ બેઠક રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં જ્યાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે ત્યાં આ ત્રણ દિવસ શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે

વીજ કંપનીની, માર્ગ મકાન અને વન વિભાગની ટીમો ખડેપગે

સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા વૃક્ષો ધરાશાયી થાય કે વીજ થાંભલા પડવાથી રસ્તા બંધ થાય તેવા કિસ્સામાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અને વીજ કંપની એમ ત્રણેય વિભાગના કર્મચારીઓની એકથી વધુ ટીમો પ્રત્યેક અસરગ્રસ્ત જિલ્લામાં કાર્યરત રહી રસ્તાની સુવિધા, વીજળીની સુવિધા સતત ઉપલબ્ધ રહે તે માટે કાર્યરત રહેશે. વાવાઝોડાની સંભાવિત પરિસ્થિતિ દરમિયાન સંદેશા વ્યવહાર સતત કાર્યરત રહે તે માટે ભારત સંચાર નિગમ લી. ઉપરાંત રાજ્યભરના મોબાઇલ ઓપરેટર્સને મોબાઇલ ટાવર 24×7 સતત કાર્યરત રહે તે માટે કાળજી લેવા કહેવામાં આવ્યું છે.

આ પણ તમારે જાણવાનું જરૂર છે…

https://www.voiceofgujarat.in/vayu-cyclone-gets-closer-to-gujarat.html

Leave a Response

error: Content is protected !!