રાજનીતિ

ભાજપ સાંસદ ડો.વીરેન્દ્રકુમાર :પંચરની દુકાનથી લોકસભાના પ્રોટેમ સ્પીકર સુધીની સફર

95views

સત્તરમી લોકસભા માટે ભાજપ સાંસદ ડો.વીરેન્દ્રકુમાર ખટીક પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. પ્રોટેમ સ્પીકર તરીકે ડો. વીરેન્દ્રકુમાર નવા ચૂંટાયેલા સંસદસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ડો. વીરેન્દ્રકુમાર ત્રણ વાર મધ્યપ્રદેશની સાગર લોકસભા બેઠક અને ચાર વાર ટીકમગઢ લોકસભાથી એમ સતત સાત વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. આ લોકસભા ચૂંટણીમાં તેમણે ટીકમગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અહિરવાર કિરણને
૩ લાખ ૪૮ હજાર મતોથી હરાવ્યા છે.

કોણ છે ડો.વીરેન્દ્રકુમાર ખટીક ?
ડો. વીરેન્દ્રકુમાર ખટીકનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૪માં મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક અનુસુચિત પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નહોતો. એમના પિતા પરિવારના ભરણ-પોષણ માટે સાઇકલના પંચર રીપેર કરતા હતા. વીરેન્દ્રકુમાર પણ અભ્યાસ કરતા કરતા ક્યારેક એમના પિતાને
મદદ કરતા અને પંચર રીપેર કરવા બેસી જતા. તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એ. અને બાળ શ્રમ સંબંધી વિષય પર પી.એચ.ડી. કર્યું છે.

ડો.વીરેન્દ્રકુમાર ખટીકની રાજકીય કારકિર્દી
ડો. વીરેન્દ્રકુમાર અભ્યાસકાળથી જ રાજનીતિમાં સક્રિય થયા હતા. તેમણે ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ વિશ્વ હિન્દૂ પરિષદમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ તેઓ ઘણા વર્ષો સુધી પદાધિકારી રહ્યાં. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લગાવેલ ઈમરજન્સીમાં તેઓ સક્રિય હતા અને મીસા કાયદા હેઠળ જેલમાં પણ ગયા છે. તેઓ ૧૧મી લોકસભામાં ૧૯૯૬ માં પ્રથમવાર સાગર લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યારબાદ ૧૨મી, ૧૩મી અને ૧૪મી લોકસભા એમ ૧૯૯૬ થી ૨૦૦૪ સુધી સતત ચાર વાર સાગર લોકસભા બેઠક પરથી જીત્યા. ત્યારબાદ ૧૫મી લોકસભા ૨૦૦૯, ૧૬ મી લોકસભા ૨૦૧૪ અને ૧૭ મી લોકસભા ૨૦૧૯ એમ સતત ત્રણ વાર મધ્યપ્રદેશની ટીકમગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય અને અલ્પસંખ્યક મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા હતા.

સાદગી માટે જાણીતા છે ડો.વીરેન્દ્રકુમાર
ડો. વીરેન્દ્રકુમાર પોતાની સાદગી માટે જાણીતા છે. બાળપણમાં તેઓ પિતાને પંચરની દુકાન ચલાવવમાં મદદ કરતા તો આજે પણ ક્યારેક પોતાના મત વિસ્તારમાં કે અન્ય જગ્યાએ તેઓ પસાર થાય ત્યારે ઓઈ પંચર કરનારને જોતા તેઓ તેની સાથે બેસી જાય છે અને પંચર કરવા અંગે માર્ગદર્શન આપે છે. સાંસદ હોવા છતાં આજે પણ તેઓ પોતાનું જુનું બજાજ સ્કૂટર લઈને જ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપે છે.

Leave a Response

error: Content is protected !!