રાજનીતિ

વિજયવર્ગીયના દીકરા અંગે મોદીની નારાજગી- કોઈનો પણ દીકરો હોય, મનમાની નહીં ચાલે

130views

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના બેટકાંડ પર મોદીએ એક સપ્તાહ બાદ મૌન તોડી નારાજગી વ્યક્ત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગમે તેનો પુત્ર કેમ ન હોય, તેને પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ. ગમે તે નેતાનો પુત્ર હોય પરંતુ આ પ્રકારની વર્તણૂક સહન કરી લેવાશે નહીં. દુર્વ્યવહાર કરતા નેતાઓ સામે આકરી નારાજગી વ્યક્ત કરતાં વડા પ્રધાન મોદીએ આકાશ વિજયવર્ગીયનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, આ પ્રકારના દુર્વ્યવહારને સ્વીકારી શકાય નહીં. રાજનીતિમાં શિસ્ત હોવું જોઈએ. દુર્વ્યવહાર કરતા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ. આ પ્રકારનો વ્યવહાર અસ્વીકાર્ય છે. પછી તે ગમે તે નેતાનો પુત્ર હોય, તેને મનમાની કરવાની પરવાનગી આપી શકાય નહીં.

આકાશ વિજયવર્ગીય જામીન પર મુક્ત થયા પછી તેનું સ્વાગત કરનારા કાર્યકરો પર પણ પ્રહાર કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જે લોકોએ સ્વાગત કર્યું હતું તેમને પણ પાર્ટીમાં રહેવાનો કોઈ હક નથી. તે તમામને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ.

મોદીના આવા વાક્યો સાથે સમગ્ર બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો. મહત્વનું છે કે તે સમયે ગૃહમંત્રી અને તે સમયના પાર્ટી અધ્યક્ષ અમિત શાહે હંમેશા વિજયવર્ગીયનો સાથ આપ્યો હતો. તાજેતરના ઘટનાક્રમ બાદ સૌની નજર એ વાત પર છે કે આ વખતે મોદીએ નારાજગી વ્યક્ત કરતા આવા લોકોને પાર્ટીમાંથી તગેડી મૂકવાની વાત કરી હતી હવે આ બાદ પાર્ટી અને અમિત શાહ આ અંગે શુ પગલાં લેશે તે સમય જ બતાવશે.

બીજી બાજુ મોદીની નારાજગી બાદ કૈલાશે કહ્યું કે, ”મોદીજી પિતા તુલ્ય છે. તેમનો ગુસ્સો પણ પ્રેમ સમાન જ છે. તેમના બતાવેલા રસ્તાઓ પર ચાલવાના દરેક સંભવ પ્રયાસ રાજકીય જીવનમાં કરીશ”

મોદીએ કહ્યું એક ધારાસભ્ય ઓછો થશે તો શું થઈ જશે, ભાજપ સંસદીય દળની બેઠકમાં મંગળવારે આકાશનું નામ લીધા વિના મોદીએ કહ્યું આવો ઘમંડ અને ગેરવર્તન ચલાવી લેવામાં નહીં આવે. આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સૂત્રો પ્રમાણે કૈલાસ વિજયવર્ગીયની હાજરીમાં મોદીએ કહ્યું કે, આ શું થઈ રહ્યું છે જેને જેમ ફાવે એમ વર્તન કરી રહ્યાં છે. આટલું ઓછું હોય તેમ આવા લોકો જંગ જીતીને આવ્યા હોય તેમ તેમનું હોંશે હોંશે સમર્થન કરાઈ રહ્યું છે. તે કોઈ પણ હોય, કોઈનો પણ પુત્ર હોય પણ મનમાની કોઈની નહીં ચાલે. જેલમાંથી છૂટ્યા બાદ આકાશને સન્માનિત કરવા અંગે પણ મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે, એક ધારાસભ્ય ઓછો થશે તો કંઈ ખાટું મોળું નહીં થાય. મોદીએ કહ્યું કે જો કોઈ ભૂલ કરે છે તો તેનામાં માફીની ભાવના હોવી જોઈએ.

Leave a Response

error: Content is protected !!